Cameroon Road Accident: કેમરૂનમાં એક ભયાનક માર્ગ અકસ્માત વિશે માહિતી આવી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, કેમેરૂનમાં મુસાફરોને લઈ જતી બસ એક ટ્રક સાથે અથડાઈ હતી. આ અચાનક ટક્કરથી ભયંકર અવાજ આવ્યો. બસ અને ટ્રક સાથે અથડાતા ઓછામાં ઓછા 19 મુસાફરોના કરૂણ મોત થયા હતા. ઘણા મુસાફરો ઘાયલ પણ થયા હતા. તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
કેમરૂન સરકારે શુક્રવારે આ માહિતી આપી હતી. પરિવહન પ્રધાન જીન-અર્નેસ્ટ મસેના નગાલે બિબેહે જણાવ્યું હતું કે મુસાફરોને લઈ જતી બસ એસેકા શહેરમાં જઈ રહી હતી. આ બસના ડ્રાઈવરે વાહન પરથી કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે તે સામેથી આવી રહેલી રેતી ભરેલી ટ્રક સાથે અથડાઈ હતી. બિબેહેએ જણાવ્યું કે બસમાં સવાર મોટાભાગના મુસાફરોએ અકસ્માતમાં જીવ ગુમાવ્યો હતો.
આ અકસ્માત દૌલા-ઈડિયા રોડ પર પોલીસ ચોકી પાસે થયો હતો અને ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, એમ તેઓએ જણાવ્યું હતું. પોલીસે અકસ્માત માટે બસ ચાલકના બેફામ ડ્રાઈવિંગને જવાબદાર ગણાવી ઘટનાની તપાસ શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના તાજેતરના ઉપલબ્ધ આંકડાઓ અનુસાર, આફ્રિકામાં માર્ગ મૃત્યુનું સૌથી વધુ પ્રમાણ કેમરૂનમાં છે.