બ્રિટિશ એરવેઝની ફ્લાઇટ BA295માં હવામાં સર્જાઈ કટોકટી, લંડનથી શિકાગો જતું વિમાન અચાનક હજારો ફૂટ નીચે આવ્યું

બ્રિટિશ એરવેઝની ફ્લાઇટ BA295 (બોઈંગ 777)માં ફ્લાઇટ દરમિયાન અચાનક કટોકટી સર્જાઈ. આકાશમાં 37,000 ફૂટથી નીચે આવીને વિમાન 9,000 ફૂટે પહોંચ્યું. જાણો શું છે આખી ઘટના

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Mon, 05 Oct 2026 10:04 PM (IST)Updated: Mon, 05 Oct 2026 10:04 PM (IST)
british-airways-ba295-emergency-londonchicago-flight-drops-28000-ft

British Airways BA295 Emergency: આકાશમાં મુસાફરી કરી રહેલા લોકો માટે ક્યારે શું થાય તે કહી શકાતું નથી. તાજેતરમાં જ એવા જ એક ડરામણા સમાચાર સામે આવ્યા છે. બ્રિટિશ એરવેઝ (British Airways)ની ફ્લાઇટ BA295 સાથે અચાનક એક મોટી ટેકનિકલ કે કટોકટીની સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે પ્લેનને અચાનક હજારો ફૂટ નીચે લાવવું પડ્યું હતું. આ ઘટના બાદ ઉડ્ડયન જગતમાં ખળભળાટ મચી ગયો છે.

આકાશમાં અચાનક શું બન્યું?

મળતી માહિતી મુજબ, બ્રિટિશ એરવેઝનું બોઈંગ 777 (Boeing 777) વિમાન, જે ફ્લાઇટ નંબર BA295 તરીકે લંડનના હીથ્રો એરપોર્ટથી અમેરિકાના શિકાગો તરફ જઈ રહ્યું હતું, તેણે આયર્લેન્ડના ઉપરના આકાશમાં ઉડાન ભરી હતી.

વિમાન જ્યારે સામાન્ય રીતે આકાશમાં હાઈ-એલ્ટિટ્યુડ પર સફર કરી રહ્યું હતું, ત્યારે અચાનક તેની ઊંચાઈમાં મોટો ઘટાડો નોંધાયો. ફ્લાઇટ-ટ્રેકિંગ ડેટા અનુસાર, વિમાન આ લગભગ 37,000 ફૂટની ઊંચાઈ પરથી અચાનક ઝડપથી નીચે ઉતરવા લાગ્યું અને માત્ર થોડીક જ ક્ષણોમાં તે ઘટીને આશરે 9,000 ફૂટની ઊંચાઈ પર આવી ગયું. આટલા મોટા પાયે ઊંચાઈમાં અચાનક ઘટાડો થવાને કારણે વિમાનમાં સવાર મુસાફરોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા.

પાયલટે જારી કર્યો 'Squawk 7700' ઇમરજન્સી કોડ

પરિસ્થિતિની ગંભીરતાને પારખીને, ફ્લાઇટના પાયલટે તાત્કાલિક ધોરણે એર ટ્રાફિક કંટ્રોલ (ATC) સાથે સંપર્ક સાધીને 'Squawk 7700' ઇમરજન્સી કોડ જારી કર્યો હતો.

શું હોય છે Squawk 7700 કોડનો અર્થ?

એવિએશન ક્ષેત્રમાં 'Squawk' એ ચાર અંકનો એક વિશેષ કોડ હોય છે જે વિમાનનો ટ્રાન્સપોન્ડર એર ટ્રાફિક કંટ્રોલને મોકલે છે. જ્યારે કોઈ વિમાનમાં સામાન્ય કે ગંભીર કટોકટી સર્જાય, ત્યારે 7700 કોડનો ઉપયોગ કરવામાં આવે છે. આ કોડ કોઈ ચોક્કસ ખામી વિશે જણાવતો નથી, પરંતુ તે કંટ્રોલર્સને સ્પષ્ટ સંદેશ આપે છે કે વિમાનના ક્રૂ અને મુસાફરોને તાત્કાલિક મદદ અને સુરક્ષિત રસ્તાની જરૂર છે.

તાજેતરની અન્ય ઘટનાઓની યાદ તાજી થઈ

ઉડ્ડયન ક્ષેત્રે આ પ્રકારની ઘટનાઓ તાજેતરના દિવસોમાં ચિંતાનો વિષય બની છે. થોડા દિવસો પહેલા જ 'ફ્લાઈદુબઈ' (Flydubai)ની ફ્લાઇટ સાથે પણ આવી જ એક ગંભીર ઘટના બની હતી, જેમાં તેલ અવીવ જતી ફ્લાઇટમાં કોકપીટની અંદર વિવાદ અને ઇમરજન્સી સર્જાતા વિમાને અચાનક ઝડપથી નીચે ઉતરવું પડ્યું હતું. આવા બનાવો બાદ મુસાફરોની સુરક્ષાને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે.

હાલમાં આ મામલે એવિએશન એક્સપર્ટ્સ અને સંબંધિત ઓથોરિટી દ્વારા બ્રિટિશ એરવેઝની આ ફ્લાઇટમાં અચાનક ઊંચાઈ ઘટવા પાછળના ચોક્કસ કારણોની તપાસ કરવામાં આવી રહી છે. સદનસીબે, આ મોટી કટોકટી વચ્ચે પણ કોઈ મોટી અનિચ્છનીય ઘટનાના અહેવાલ નથી, પરંતુ આ ઘટનાએ ફરી એકવાર હવાઈ મુસાફરોમાં ડરનો માહોલ પેદા કરી દીધો છે.