Pakistan Power Breakdown: પાકિસ્તાન માટે સોમવારનો દિવસ હકિકતમાં બ્લેક મન્ડે (Pakistan Power Breakdown) સાબિત થયો. દેશનો મોટા ભાગના વિસ્તારમાં સવારે 7-30 વાગ્યાથી વીજળી ડૂલ થઈ ગઈ છે. કરાચી, લાહોર, ઈસ્લામાબાદ, પેશાવર અને ક્વેટા જેવા મોટા શહેરોમાં લગભગ છેલ્લાં 12 કલાકથી વધુ સમયથી વીજળી (Pakistan Power Breakdown) નથી. જેના કારણે પાકિસ્તાનના કરોડો લોકોને અસર થઈ છે. હવે સમાચાર મળી રહ્યાં છે મોડી રાત સુધી પાકિસ્તાનમાં વીજળી સપ્લાઈ ડૂલ રહેશે.
કહેવાય છે કે પાકિસ્તાનની ઈલેક્ટ્રિસિટી ડિસ્ટ્રીબ્યૂશન સિસ્ટમ ઘણી જ જટિલ છે અને નેશનલ ગ્રિડ ફેલ હોવાને કારણે પાકિસ્તાનમાં અંધારું છવાઈ ગયું છે. પરંતુ નેશનલ ગ્રિડ ફેલ થવાને કારણે અડધું પાકિસ્તાન થંભી ગયું છે.
અનેક શહેરોમાં મેટ્રોને લાગી બ્રેક
વીજળી સપ્લાઈ ઠપ થવાથી લાહોર સહિત કેટલાંક શહેરોમાં મેટ્રો સેવાઓ પ્રભાવિત થઈ છે.લાહોરથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક મેટ્રો ટ્રેક પર અધવચ્ચે અટકી ગઈ છે, જે બાદ મેટ્રોના ઈમરજન્સી દરવાજામાંથી યાત્રિકોને બહાર કાઢવામાં આવ્યા અને ટ્રેકની બાજુમાંથી પગપાળા જતા જોવા મળ્યા. લાહોરમાં સોમવારે મેટ્રો સ્ટેશનની બહાર લાગેલી ક્લોઝિંગ નોટિસ જોવા મળી.
https://twitter.com/ChaudharyParvez/status/1617403026251329539?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1617403026251329539%7Ctwgr%5E4a9c06033c0d2be1bf583891cbb017000a480a4f%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.aajtak.in%2Fworld%2Fstory%2Fpakistan-massive-power-breakdown-power-outage-pak-metro-ntc-1621725-2023-01-23
વીજળી સપ્લાઈ ઠપ થતા એરપોર્ટ પર પણ કામકાજને અસર થઈ હતી. પરંતુ પાકિસ્તાનના સિવિલ એવિએશન ઓથોરિટીએ નિવેદન જાહેર કરી જણાવ્યું કે વીજળી સંબંધી મુશ્કેલીઓને હાલ ઉકેલી લેવાઈ છે. દેશના મુખ્ય એરપોર્ટ પર હવે કામકાજ સામાન્ય રીતે ચાલી રહ્યું છે. અમે સ્ટેન્ડબાય પાવરનો ઉપયોગ કરી રહ્યાં છીએ.
વીજળી સપ્લાઈ ઠપ થવાથી હોસ્પિટલ, ઉદ્યોગને પણ અસર
સોમવારે પાકિસ્તાન અંધારામાં ડૂબવાથી સામાન્ય કામકાજ પ્રભાવિત થયું. સોમવારે વીજળી સપ્લાઈ ઠપ થવાથી અનેક કારખાના બંધ પડી ગયા. ઈસ્લામાબાદમાં સરકારી હોસ્પિટલમાં ઓપરેશન થિયેટર બંધ કરવા પડ્યા જ્યારે કરાચીમાં કેટલીક હોસ્પિટલમાં બેકઅપ વીજળી પર કામ થયું.
પાકિસ્તાનના નેશનલ ગ્રિડમાં ગરબડ
પાકિસ્તાનના ઉર્જા મંત્રાલયે સોમવારે નિવેદન જાહેર કરી જણાવ્યું કે નેશનલ ગ્રિડમાં સવારે 7-34 મિનિટ ગરબડ ઊભી થઈ. વીજળી સપ્લાઈ પૂર્વવત કરવાના પ્રયાસ ચાલી રહ્યાં છે. ઈસ્લામાબાદ વીજળી સપ્લાઈ કંપનીના 117 ગ્રિડ સ્ટેશનની વીજળી સપ્લાઈ પર અટકી ગઈ હતી જેના કારણે દેશનો મોટા ભાગનો વિસ્તાર અંધારામાં ડૂબી ગયો. વીજળી ન હોવાને કારણે મેટ્રો સેવા પણ પ્રભાવિત થઈ, જેનાથી યાત્રિકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

ક્વેટા ઈલેક્ટ્રિક સપ્લાઈ કંપની (QESCO) મુજબ સિંધના ગુડ્ડુ ક્ષેત્રથી ક્વેટા જતી બે ટ્રાંસમિશન લાઈન ટ્રિપ થઈ ગઈ છે. જેના કારણે ક્વેટા સહિત બલૂચિસ્તાનના 22 જિલ્લામાં વીજળી સંકટ જોવા મળી રહ્યું છે. કરાચીના અનેક વિસ્તારોમાં પણ વીજળી ગુલ થઈ ગઈ છે.
નેશનલ ગ્રિડ કઈ રીતે ઠપ થયું?
સોમવારે સવારે 7-30 વાગ્યે દેશનું નેશનલ ગ્રિડ ઠપ થઈ ગયું, જેના કારણે વીજળી સપ્લાઈને અસર થઈ. જે બાદ દેશના ઉર્જા મંત્રી ખુર્રમ દસ્તગીરે મીડિયા સમક્ષ આવીને કહેવું પડ્યું કે નેશનલ ગ્રિડમાં ગરબડ થતા આ બ્લેકઆઉટ થયું છે. પરંતુ અમે તેને સુધારી રહ્યાં છીએ.
તેમણે જણાવ્યું કે શિયાળામાં વીજળીની માગ ઘટી જાય છે, જેના કારણે રાત્રે પાવર જનરેશન સિસ્ટમ અસ્થાઈ રીતે બંધ કરી દેવાઈ છે. પરંતુ જ્યારે સોમવારે તેને ફરી ચાલુ કરાયું તો વોલ્ટેજમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યા જે બાદ એક પછી એક પાવર જનરેટિંગ યુનિટ બંધ થઈ ગયા.
સંકટ કેટલું વિકરાળ?
પાકિસ્તાનના ઉર્જા મંત્રી દસ્તગીરે દાવો કર્યો કે- આ કોઈ મોટું સંકટ નથી. દેશના કેટલાંક પાવર ગ્રિડને રિસ્ટોર કરવામાં આવ્યા છે. ખૈબર પખ્તૂનખ્વાહના ગ્રિડ સ્ટેશનોને રિસ્ટોર કરાયા છે.
જો કે ડોનના તાજા રિપોર્ટ મુજબ સ્થાનિક સમય મુજબ રાત્રે 10 વાગ્યા પહેલા પાકિસ્તાનમાં સંપૂર્ણપણે વીજળી સપ્લાઈ યથાવત નહીં થાય.
પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના નેતા અને પૂર્વ માનવાધિકાર મંત્રી શિરીન મઝારીએ સરકાર પર નિશાન સાધતા કહ્યું કે સવારથી જ દેશમાં પાવર બ્રેકડાઉન છે. દેશમાં સત્તા પર બેઠેલા અયોગ્ય લોકો આ માટે જવાબદાર છે. તેમણે દેશને લૂંટીને પૈસા બહાર મોકલી દીધા છે.

પાકિસ્તાનમાં મોંઘી થતી વીજળી
પાકિસ્તાનના નેશનલ ઈલેક્ટ્રિક પાવર રેગ્યુલેટરી ઓથોરિટીએ છેલ્લા દિવસોમાં કરાચીમાં વીજળીની કિંમતમાં 3.30 રૂપિયા પ્રતિ યુનિટનો વધારો કર્યો હતો. આ ઉપરાંત અલગ અલગ કન્ઝ્યુમર કેટેગરી માટે વીજળીના દરમાં 1.49 રૂપિયાથી 4.46 રૂપિયા પ્રતિ યુનિટનો વધારો ઝીંકાયો છે. નવા રેટ લાગુ થયા બાદ કન્ઝ્યુમર્સને 43 રૂપિયા પ્રતિ યુનિટના દરે વીજળી મળી રહી છે. આ ભાવ પર સરકાર વીજળી કંપનીઓને 18 રૂપિયા પ્રતિ યુનિટના દરે સબસિડી પણ આપે છે. વીજળી સંકટમાંથી છુટકારો મેળવવા માટે પાકિસ્તાનની સરકારે ડિસેમ્બર 2022માં બજાર અને રેસ્ટોરાંને રાત્રે 8 વાગ્યાથી બંધ કરવાનો નિર્ણય કર્યો હતો.
ભારતની તુલનાએ 4 ગણી વધુ કિંમત
પાકિસ્તાનના લોકો ભારતની તુલનાએ લગભગ 4 ગણી વધુ કિંમત વીજળી માટે ચુકવે છે. ભારતમાં રેસિડેન્શિયલ વીજળી બિલની સરેરાશ કિંમત 6થી 9 રૂપિયા પ્રતિ યુનિટ છે. તો કોમર્શિયલ ઉપયોગ માટે વીજળીના ભાવ સરેરાશ 10થી 20 રૂપિયા પ્રતિ યુનિટ છે.
એક પછી એક પાકિસ્તાનની વધતી મુશ્કેલીઓ
પાકિસ્તાનની આર્થિક સ્થિતિ બદથી બદતર બની રહી છે. દેશનું વિદેશી મુદ્રા ભંડાર ઘટીને 4.343 અબજ ડોલર રહી ગયું છે, જેમાં પાકિસ્તાન મહામુશ્કેલીએ બે સપ્તાહ કાઢી શકશે. અન્નનું સંકટ પહેલેથી જ છે, ત્યારે હવે વીજળી સંકટને કારણે પાકિસ્તાનીઓને પડ્યા પર પાટું વાગવા જેવું થયું છે.
ઝડપી અને વિશ્વનિય સમાચાર માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગુજરાતી જાગરણનું ગ્રુપ જોઈન કરો
ટેલિગ્રામ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગુજરાતી જાગરણનું ગ્રુપ જોઈન કરો.