Bangladesh Protests: બાંગ્લાદેશમાં કટ્ટરપંથી હાદીના મોત બાદ તણાવ વધ્યો, BNP નેતાના માથામાં ગોળી વાગી

અજાણ્યા બંદૂકધારીઓએ વિદ્યાર્થીઓના નેતૃત્વવાળી નેશનલ સિટીઝન પાર્ટી (NCP) ના નેતા અને BNP ના ખુલના ડિવિઝનલ હેડ મોતાલેબ સિકદર પર જીવલેણ હુમલો કર્યો છે.

By: Kajal ChauhanEdited By: Kajal Chauhan Publish Date: Mon 22 Dec 2025 03:17 PM (IST)Updated: Mon 22 Dec 2025 03:17 PM (IST)
bangladesh-protests-update-another-student-leader-shot-amid-unrest-after-osman-hadi-death-660023

Bangladesh Protests News: બાંગ્લાદેશ અત્યારે હિંસાની આગમાં સળગી રહ્યું છે અને ત્યાં ફરી એકવાર અરાજકતાનો માહોલ સર્જાયો છે. અજાણ્યા બંદૂકધારીઓએ વિદ્યાર્થીઓના નેતૃત્વવાળી નેશનલ સિટીઝન પાર્ટી (NCP) ના નેતા અને BNP ના ખુલના ડિવિઝનલ હેડ મોતાલેબ સિકદર પર જીવલેણ હુમલો કર્યો છે. સોમવારે થયેલા આ હુમલામાં સિકદરના માથાના ડાબા ભાગમાં ગોળી વાગી હતી. હાલમાં તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

આ ગોળીબારની ઘટના ઇન્કલાબ મંચના પ્રવક્તા અને કટ્ટરપંથી નેતા શરીફ ઉસ્માન હાદીની હત્યા બાદ બની છે, જેના કારણે ઢાકા અને આસપાસના વિસ્તારોમાં ભારે તણાવ જોવા મળી રહ્યો છે. ઉસ્માન હાદી તેના ભારત વિરોધી નિવેદનો માટે જાણીતો હતો અને વર્ષ 2024 માં બાંગ્લાદેશમાં થયેલા વિદ્યાર્થી વિદ્રોહ દરમિયાન તે ચર્ચામાં આવ્યો હતો. હાદીના મોત બાદ આ બીજી હાઈ-પ્રોફાઈલ ગોળીબારની ઘટના સામે આવી છે.

2026ની સામાન્ય ચૂંટણી પહેલા વધતી હિંસા
બાંગ્લાદેશમાં વચગાળાની સરકારની રચના બાદ પ્રથમ વખત દેશમાં ફેબ્રુઆરી 2026 માં સામાન્ય ચૂંટણીઓ યોજવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. જોકે, જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ દેશના વિવિધ ભાગોમાં હિંસક પ્રદર્શનો અને હિન્દુ લઘુમતીઓ પરના હુમલાની ઘટનાઓ પણ વધી રહી છે. આ વધતી અરાજકતા અંગે પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ પણ ચિંતા વ્યક્ત કરી છે.

બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની હત્યા અને અન્ય હિંસક ઘટનાઓ મામલે ભારતે કડક વલણ અપનાવ્યું છે. દિલ્હીમાં આ ઘટનાઓ વિરુદ્ધ થયેલા પ્રદર્શનોને લઈને ભારતે બાંગ્લાદેશને કરારો જવાબ આપ્યો છે. સૂત્રો અનુસાર, દેશમાં ચૂંટણી પહેલાની આ હિંસા અને અસ્થિરતા એક ચિંતાનો વિષય બની ગઈ છે.