Sharif Usman Hadi Murder: બાંગ્લાદેશ ફરી એકવાર હિંસાની આગમાં સળગી રહ્યું છે અને છેલ્લા અઠવાડિયે ત્યાં બે વિદ્યાર્થી નેતાઓની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હિંસક ઘટનાઓ વચ્ચે ઢાકા પોલીસે દાવો કર્યો છે કે વિદ્યાર્થી નેતા શરીફ ઉસ્માન હાદીની હત્યામાં સામેલ બે મુખ્ય આરોપીઓ મેઘાલય સરહદ મારફતે ભારત ભાગી ગયા છે.
આરોપીઓ મેઘાલય સરહદેથી ભારતમાં પ્રવેશ્યા
બાંગ્લાદેશના એડિશનલ કમિશનર એસએન નઝરુલ ઈસ્લામે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે હાદીની હત્યામાં સામેલ બે યુવકો, ફૈઝલ કરીમ મસૂદ અને આલમગીર શેખ સ્થાનિક સહયોગીઓની મદદથી મેઘાલયની સરહદ પાર કરીને ભારતમાં પ્રવેશ્યા છે. આ આરોપીઓએ હલુઆઘાટ સરહદ ઓળંગી હતી, જ્યાં સરહદ પાર એક વ્યક્તિએ તેમને રિસીવ કર્યા હતા અને ત્યારબાદ તેઓ ટેક્સી દ્વારા મેઘાલયના શહેર તરફ ગયા હતા.
ભારતીય સત્તાવાળાઓ દ્વારા શંકાસ્પદોની અટકાયતનો દાવો
ઢાકા પોલીસના જણાવ્યા અનુસાર આ શંકાસ્પદ આરોપીઓને મદદ કરનારા બે વ્યક્તિઓની ભારતીય સત્તાવાળાઓએ અટકાયત કરી છે. જોકે પોલીસે એ પણ સ્પષ્ટ કર્યું છે કે આ માહિતી અનૌપચારિક અહેવાલો પર આધારિત છે અને ભારત તરફથી આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.
બાંગ્લાદેશમાં અલ્પસંખ્યકો વિરુદ્ધ પણ હિંસાની બર્બર ઘટનાઓ સામે આવી રહી છે. આ મહિનાની શરૂઆતમાં ઢાકાથી લગભગ 100 કિમી દૂર મેમનસિંહમાં, 29 વર્ષીય ગારમેન્ટ ફેક્ટરી વર્કર દીપુ ચંદ્ર દાસની ઇસ્લામી ટોળા દ્વારા નિર્મમ હત્યા કરવામાં આવી હતી. આ ઘટનામાં તેને ઝાડ સાથે બાંધીને સળગાવી દેવામાં આવ્યો હતો, જેના સંબંધમાં અત્યાર સુધીમાં 12 લોકોની ધરપકડ કરવામાં આવી છે. અમેરિકાએ પણ આ હત્યાની નિંદા કરી છે.

