Bangladesh Protest: બાંગ્લાદેશ હાલમાં ભારે હિંસાની લપેટમાં છે, જ્યાં દેખાવકારોએ અનેક ઈમારતોને નિશાન બનાવી આગ ચાંપી દીધી છે. રિપોર્ટ અનુસાર શરીફ ઉસ્માન હાદીની હત્યા બાદ લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો, જેના પરિણામે ઢાકાના રસ્તાઓ પર ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. આ હિંસા દરમિયાન ભીડે બાંગ્લાદેશના અગ્રણી દૈનિક અખબાર 'પ્રોથોમ આલો' ની ઈમારતને પણ આગને હવાલે કરી દીધી હતી.
પત્રકારોએ જીવ બચાવવા ભાગવું પડ્યું
જ્યારે આ હુમલો થયો ત્યારે પત્રકારો આગામી દિવસના અખબાર અને ઓનલાઈન કન્ટેન્ટ પર કામ કરી રહ્યા હતા. અખબારના એડિટરે જણાવ્યું કે કેટલાક લોકોએ મીડિયા હાઉસમાં તોડફોડ કરી આગ લગાવી દીધી હતી, જેના કારણે પત્રકારોએ પોતાનો જીવ બચાવવા ઓફિસથી ભાગવું પડ્યું હતું. આ ઘટનાને કારણે અખબાર અને તેના ઓનલાઈન પ્લેટફોર્મનું પ્રકાશન અટકી ગયું છે.
27 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત પ્રકાશન બંધ
અખબારના એડિટરના જણાવ્યા અનુસાર 1998માં સ્થાપના થયા બાદ 27 વર્ષના ઈતિહાસમાં આ પ્રથમ ઘટના છે જ્યારે 'પ્રોથોમ આલો' પોતાનું પ્રિન્ટ એડિશન પ્રકાશિત કરી શક્યું નથી. હુમલાને કારણે અખબારનું ઓનલાઈન પ્લેટફોર્મ પણ ગત રાતથી ઓફલાઈન છે. આ ઘટનાને પત્રકારત્વ માટે 'સૌથી કાળી રાત' તરીકે વર્ણવવામાં આવી છે.
અભિવ્યક્તિની સ્વતંત્રતા પર હુમલો
એક્ઝિક્યુટિવ એડિટર સજ્જાદ શરીફે આ હુમલાને અભિવ્યક્તિની સ્વતંત્રતા અને પ્રેસની સ્વતંત્રતા પર સીધો હુમલો ગણાવ્યો છે. તેમણે સરકાર પાસે આ મામલે યોગ્ય તપાસ કરવાની અને જવાબદાર લોકોને ન્યાયના કટઘરામાં લાવવાની માંગ કરી છે. ઢાકાના કારવાનબજારમાં આવેલી અખબારની ઓફિસમાં થયેલી આ તોડફોડ દેશમાં મીડિયાની સુરક્ષા પર ગંભીર સવાલો ઉભા કરે છે.
