HRCBM Report: શેખ હસીનાની સરકારના પતન પછી બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર હુમલાઓમાં સતત વધારો થયો છે. હ્યુમન રાઇટ્સ કોંગ્રેસ ફોર બાંગ્લાદેશ માઇનોરિટીઝ (HRCBM)ના એક અહેવાલમાં જણાવાયું છે કે આ વર્ષે જૂનથી ડિસેમ્બર સુધીમાં બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીઓ સામે ઇશનિંદાના આરોપો સાથે સંકળાયેલી ઓછામાં ઓછી 71 ઘટનાઓ નોંધાઈ છે.
મુસ્લિમ બહુમતી ધરાવતા દેશના પિરોજપુર જિલ્લાના ડુમરીતાલા ગામમાં એક હિન્દુ પરિવારના ઓછામાં ઓછા પાંચ ઘરોને આગ ચાંપી દેવામાં આવી હતી જેને લઘુમતીઓ પર ટાર્ગેટેડ હુમલો માનવામાં આવી રહ્યો છે.
સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે હુમલાખોરોએ કથિત રીતે કપડાંથી ભરેલા રૂમમાં આગ લગાવી હતી જેના કારણે આગ ઝડપથી આખા ઘરમાં ફેલાઈ ગઈ હતી.
આગ લાગ્યા બાદ સાહુ પરિવાર ડરી ગયો
NDTV અનુસાર ઢાકામાં સાહાલ પરિવાર હજુ પણ ભયભીત છે. તેમણે કેમેરા સામે આવવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે તેમને ખબર નથી કે આગ કેવી રીતે લાગી. પોલીસ તપાસ કરી રહી છે. પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે વહેલી સવારે જ્યારે તેઓ આગની જાણથી જાગ્યા ત્યારે શરૂઆતમાં તેઓ અંદર ફસાયેલા હતા કારણ કે દરવાજા બહારથી બંધ હતા.
અસરગ્રસ્ત પરિવારોના આઠ સભ્યો વાંસની વાડ કાપીને ભાગી છૂટવામાં સફળ રહ્યા. જોકે, તેમના ઘરનો સામાન બળીને ખાક થઈ ગયો અને તેમના પાલતુ પ્રાણીઓ માર્યા ગયા. આ ઘટના રાજધાની ઢાકાથી આશરે 240 કિમી દૂર બની હતી.
પોલીસે 5 શંકાસ્પદોની ધરપકડ કરી
પીરોજપુરના પોલીસ અધિક્ષક મોહમ્મદ મંજૂર અહમદ સિદ્દીકીએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને ફરિયાદીઓને ખાતરી આપી હતી કે ઘટનાની તાત્કાલિક તપાસ કરવામાં આવશે. સ્થાનિક પોલીસે પાંચ શંકાસ્પદોની ધરપકડ કરી છે જ્યારે તપાસ ચાલુ હોવાથી બાકીના આરોપીઓને પકડવાના પ્રયાસો ચાલુ છે.
આ ઘટનાનો એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં સ્થાનિક લોકો અનેક ઘરોમાં ફેલાઈ ગયેલી ભીષણ આગને ઓલવવાનો પ્રયાસ કરતા જોવા મળે છે.
જૂનથી ડિસેમ્બર સુધીમાં હિન્દુ લઘુમતીઓ પર 71 હુમલા - રિપોર્ટ
હ્યુમન રાઇટ્સ કોંગ્રેસ ફોર બાંગ્લાદેશ માઇનોરિટીઝ (HRCBM)એ એક અહેવાલમાં જણાવ્યું હતું કે આ વર્ષે જૂનથી ડિસેમ્બરસ સુધીમાં બાંગ્લાદેશના હિન્દુ અલ્પસંખ્યકો વિરુદ્ધ ઓછામાં ઓછા 71 બનાવો નોંધાયા હતા.
HRCBM એ ચાંદપુર , ચિત્તાગોંગ , દિનાજપુર , લાલમોનીરહાટ, સુનામગંજ , ખુલના , કોમિલા , ગાઝીપુર , તાંગેલ અને સિલ્હેટ સહિત 30થી વધુ જિલ્લાઓના કેસોનું દસ્તાવેજીકરણ કર્યું છે.
HRCBMએ જણાવ્યું હતું કે આ કેસની વ્યાપકતા અને સમાનતા દર્શાવે છે કે આ કોઈ અલગ ઘટનાઓ નથી પરંતુ ધાર્મિક આરોપો પ્રત્યે લઘુમતીઓની પ્રણાલીગત નબળાઈ છે. અહેવાલ મુજબ બાંગ્લાદેશમાં ઇશનિંદાના આરોપો ઘણીવાર પોલીસ કાર્યવાહી, ટોળાની હિંસા અને સજા તરફ દોરી જાય છે.
