Khaleda Zia Family Tree: ભારત કે પાકિસ્તાન… બેગમ ખાલિદા ઝિયા કોની નજીક હતા? જાણો તેમના પરિવારમાં કોણ કોણ છે

ખાલિદા ઝિયાએ માત્ર દેશના વડાપ્રધાન પદ સુધીની સફર જ ખેડી ન હતી, પરંતુ તેઓ સતત ત્રણ વર્ષ સુધી ફોર્બ્સ મેગેઝિનની વિશ્વની શક્તિશાળી મહિલાઓની યાદીમાં પણ સ્થાન પામ્યા હતા.

By: Kajal ChauhanEdited By: Kajal Chauhan Publish Date: Tue 30 Dec 2025 10:58 AM (IST)Updated: Tue 30 Dec 2025 10:58 AM (IST)
bangladesh-former-pm-khaleda-zia-death-know-her-family-tree-husband-children-history-biography-facts-664548

Khaleda Zia Family Tree: બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન અને બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) ના અધ્યક્ષ બેગમ ખાલિદા ઝિયાનું 80 વર્ષની વયે નિધન થયું છે. એક સમયે સામાન્ય ગૃહિણી તરીકે ઘર સંભાળનારા ખાલિદા ઝિયાએ માત્ર દેશના વડાપ્રધાન પદ સુધીની સફર જ ખેડી ન હતી, પરંતુ તેઓ વર્ષ 2004, 2005 અને 2006માં સતત ત્રણ વર્ષ સુધી ફોર્બ્સ મેગેઝિનની વિશ્વની શક્તિશાળી મહિલાઓની યાદીમાં પણ સ્થાન પામ્યા હતા. તેમના નિધન સાથે બાંગ્લાદેશના રાજકારણમાં છેલ્લા ચાર દાયકાથી કેન્દ્રસ્થાને રહેલા એક યુગનો અંત આવ્યો છે.

ખાલિદા ઝિયાનો પરિવાર
ખાલિદા ઝિયાનો જન્મ 1945માં તત્કાલીન બ્રિટિશ ભારતના જલપાઈગુડીમાં થયો હતો, જોકે તેમના પિતા બાંગ્લાદેશના ફેની જિલ્લાના રહેવાસી હતા. તેમના પિતા ઇસ્કંદર મજુમદાર ચાના વેપારી હતા. ખાલિદા પાંચ ભાઈ-બહેનોમાં ત્રીજા હતા. તેમની મોટી બહેન ખુર્શીદ જહાં પૂર્વ મંત્રી રહી ચૂક્યા છે અને તેમના ભાઈ સઈદ ઇસ્કંદર પણ રાજકારણી હતા, જોકે આ બંનેનું નિધન થઈ ચૂક્યું છે. હાલમાં તેમના જીવિત ભાઈ-બહેનોમાં શમીમ ઇસ્કંદર અને બહેન સેલિના ઇસ્લામનો સમાવેશ થાય છે.

પતિ ઝિયાઉર રહેમાન
ખાલિદા ઝિયાના લગ્ન 1960માં ઝિયાઉર રહેમાન સાથે થયા હતા, જેઓ તે સમયે પાકિસ્તાની સેનામાં કેપ્ટન હતા. ઝિયાઉર રહેમાન 1971ના મુક્તિ સંગ્રામના નાયક અને બાદમાં બાંગ્લાદેશના છઠ્ઠા રાષ્ટ્રપતિ બન્યા હતા, જેમણે 1978માં BNP પક્ષની સ્થાપના કરી હતી. 30 મે 1981ના રોજ ચિત્તાગોંગમાં એક સૈન્ય બળવા દરમિયાન તેમની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પતિની હત્યા બાદ ઘરની જવાબદારી સંભાળતા ખાલિદા ઝિયાએ રાજકારણમાં પગ મૂક્યો અને પક્ષની કમાન સંભાળી હતી.

મોટો પુત્ર તારિક રહેમાન
ખાલિદા ઝિયાની રાજકીય વિરાસત હવે તેમના મોટા પુત્ર તારિક રહેમાન સંભાળશે, જેઓ હાલમાં BNPના કાર્યકારી અધ્યક્ષ છે. તારિક રહેમાન 17 વર્ષના લાંબા દેશનિકાલ બાદ 25 ડિસેમ્બર 2025ના રોજ પોતાની પત્ની ડો. ઝુબૈદા રહેમાન અને પુત્રી જાઈમા સાથે બાંગ્લાદેશ પરત ફર્યા છે. તારિકની પુત્રી જાઈમા રહેમાન, જેઓ વ્યવસાયે બેરિસ્ટર છે, તેમને પણ ભવિષ્યના નેતા તરીકે જોવામાં આવી રહ્યા છે.

નાનો પુત્ર અરાફત રહેમાન
ખાલિદા ઝિયાના નાના દીકરા અરાફત રહેમાન કોકોનું અવસાન થઈ ચૂક્યું છે. તેમનું 24 જાન્યુઆરી, 2015ના રોજ મલેશિયામાં હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું. તેઓ રાજકારણ કરતાં રમતગમતના આયોજક તરીકે વધુ સક્રિય હતા. તેમની પત્ની શર્મિલા રહેમાન સીથી છે. તેમને બે દીકરીઓ છે, ઝાહિયા અને ઝૈફા.

ભારત અને પાકિસ્તાન સાથેના સંબંધો
રાજદ્વારી દૃષ્ટિકોણથી જોવામાં આવે તો ખાલિદા ઝિયાનો ઝુકાવ ભારત કરતા પાકિસ્તાન તરફ વધુ હોવાનું માનવામાં આવતું હતું. કૂટનીતિક વર્તુળોમાં તેમની છબી એક ભારત વિરોધી નેતા તરીકેની રહી છે. તેમના શાસનકાળ દરમિયાન ભારત અને બાંગ્લાદેશના સંબંધોમાં અવારનવાર તણાવ અને ખટાશ જોવા મળી હતી, જે તેમની પ્રતિસ્પર્ધી શેખ હસીનાના ભારત સાથેના મૈત્રીપૂર્ણ સંબંધોથી બિલકુલ વિપરીત હતી.