Bangladesh Election Results 2026: બાંગ્લાદેશના રાજકારણમાં એક નવા યુગનો પ્રારંભ થયો છે. સતત 36 વર્ષ સુધી મહિલા નેતાઓના શાસન બાદ, હવે દેશની બાગડોર એક પુરુષ વડાપ્રધાનના હાથમાં આવવા જઈ રહી છે. 12 ફેબ્રુઆરીના રોજ યોજાયેલી 13મી સંસદીય ચૂંટણીમાં બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી (BNP) ના પ્રચંડ વિજય બાદ, પક્ષના અધ્યક્ષ તારિક રહેમાને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે.
વારસાગત રાજનીતિથી સત્તાના શિખર સુધી
આ પણ વાંચો
20 નવેમ્બર, 1965 ના રોજ ઢાકામાં જન્મેલા 60 વર્ષીય તારિક રહેમાન રાજકીય વારસો ધરાવે છે. તેઓ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને BNP ના સ્થાપક ઝિયાઉર રહેમાન તથા ત્રણ વખત વડાપ્રધાન રહી ચૂકેલા ખાલિદા ઝિયાના પુત્ર છે. 1990ના દાયકામાં રાજકારણમાં સક્રિય થયેલા તારિકે 1991માં પોતાની માતાને સત્તા અપાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. 2001માં જ્યારે ખાલિદા ઝિયા ત્રીજી વખત સત્તામાં આવ્યા, ત્યારે તારિક પક્ષના સૌથી શક્તિશાળી નેતા તરીકે ઉભરી આવ્યો હતો. જોકે, તે સમયે વિરોધ પક્ષોએ તેના પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કરી તેને 'ડાર્ક પ્રિન્સ' તરીકે સંબોધ્યો હતો.
17 વર્ષનો સંઘર્ષ અને દેશનિકાલ
તારિક રહેમાનની વડાપ્રધાન સુધીની સફર અત્યંત કપરી રહી છે. 2007માં લશ્કરી સમર્થિત વચગાળાની સરકાર દરમિયાન તેની ધરપકડ કરવામાં આવી હતી. તેની સામે મની લોન્ડરિંગ અને 2004 ના ગ્રેનેડ હુમલા સહિત કુલ 84 કેસ નોંધાયા હતા. જેલમાં શારીરિક યાતનાઓ સહન કર્યા બાદ, સપ્ટેમ્બર 2008 માં તે તબીબી સારવારના બહાને લંડન ગયો હતો. ત્યારબાદ 17 વર્ષ સુધી તે સ્વ-નિર્વાસમાં રહ્યો અને લંડનથી જ વીડિયો કોન્ફરન્સ દ્વારા પક્ષનું સંચાલન કર્યું.
શેખ હસીનાના 15 વર્ષના શાસન દરમિયાન તારિકને મૃત્યુદંડની સજા પણ ફટકારવામાં આવી હતી, પરંતુ ઓગસ્ટ 2024માં થયેલા વિદ્યાર્થી આંદોલને બાંગ્લાદેશનું ચિત્ર બદલી નાખ્યું.
ભવ્ય વાપસી અને વિજય
મુહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળની વચગાળાની સરકાર દરમિયાન અદાલતોએ તારિક વિરુદ્ધના તમામ કેસ ફગાવી દેતા તેના પરત ફરવાનો માર્ગ મોકળો થયો હતો. 25 ડિસેમ્બર, 2025ના રોજ જ્યારે તે ઢાકા એરપોર્ટ પર ઉતર્યા, ત્યારે લાખો સમર્થકોએ તેનું ઐતિહાસિક સ્વાગત કર્યું હતું.
પોતાના વતન પરત ફર્યાના થોડા જ સમયમાં માતા ખાલિદા ઝિયાના અવસાન બાદ, તારિકે મજબૂતીથી પક્ષની કમાન સંભાળી. તેણે ચૂંટણીમાં ઢાકા-17 અને બોગરા-6 એમ બંને બેઠકો પરથી ભવ્ય વિજય મેળવ્યો છે.
