Bangladesh Court Verdict On Sheikh Hasina: બાંગ્લાદેશની એક અદાલતે પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને ભ્રષ્ટાચારના ત્રણ કેસોમાં 21 વર્ષની જેલની સજા સંભળાવી છે. શેખ હસીનાને પ્લોટની છેતરપિંડીના 3 કેસમાં 7-7 વર્ષની સજા ફટકારી છે. આ અગાઉ ટ્રિબ્યુનલ કોર્ટે તેમને ફાંસીની સજા પણ સંભળાવી હતી. તેમને 2024ના વિદ્યાર્થી વિરોધ પ્રદર્શન દરમિયાન માનવતા વિરુદ્ધના ગુનાઓ માટે ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી.
પરિવારના સભ્યોને પણ સજા ફટકારી
બાંગ્લાદેશ ભ્રષ્ટાચાર વિરોધી પંચ (ACC) એ ઢાકાના પૂર્વાચલ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે સરકારી પ્લોટનું વિતરણ કરવાના આરોપમાં ગયા જાન્યુઆરીમાં શેખ હસીના અને તેમના પરિવારના સભ્યો સામે છ અલગ અલગ કેસ દાખલ કર્યા હતા.
કોર્ટે શેખ હસીનાના પુત્ર વાઝેદ જોયને પાંચ વર્ષની જેલ અને 1 લાખ રૂપિયાના દંડની સજા ફટકારી છે. કોર્ટે શેખ હસીનાની પુત્રી સાયમા વાઝેદ પુતુલને પણ પાંચ વર્ષની જેલની સજા ફટકારી છે. આ પહેલા બાંગ્લાદેશ ટ્રિબ્યુનલને પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને માનવતા વિરુદ્ધના ગુનાઓ માટે મોતની સજા સંભળાવવામાં આવી છે. જોકે આ નિર્ણય સાથે એક મોટી મુશ્કેલી એ છે કે હસીના હાલમાં બાંગ્લાદેશમાં નથી. તેઓ એક વર્ષથી વધુ સમયથી ભારતમાં રહી રહ્યા છે. વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનોને કારણે તેમની 15 વર્ષની સત્તા સમાપ્ત થયા પછી તેઓ નવી દિલ્હી આવી ગયા હતા.
પ્રત્યાર્પણ માટેની માંગ
ડિસેમ્બર 2024માં બાંગ્લાદેશે હસીનાનું પ્રત્યાર્પણ કરાવવા માટે ભારતને એક ઔપચારિક વિનંતી કરી હતી. બાંગ્લાદેશની આ વિનંતી ભારતના વિદેશ સચિવની બાંગ્લાદેશ મુલાકાતના બે અઠવાડિયા પછી આવી હતી અને બંને દેશોએ શાંતિથી સંબંધો બનાવવાની આશા વ્યક્ત કરી હતી. બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા અને નોબેલ પુરસ્કાર વિજેતા મુહમ્મદ યુનુસે 8 ઓગસ્ટના રોજ પદભાર સંભાળ્યો હતો. યુનુસે માંગ કરી છે કે ભારત હસીનાને પાછા મોકલે, જેથી બાંગ્લાદેશ તેમની સામે પ્રદર્શનકારીઓ અને તેમના વિરોધીઓ વિરુદ્ધના ગુનાઓ તેમજ તેમના 15 વર્ષના કાર્યકાળ દરમિયાન આચરવામાં આવેલા ગુનાઓ માટે કેસ ચલાવી શકે.
હસીનાને પાછા લાવવાના પ્રયાસો
ન્યૂઝ એજન્સી ANIના અહેવાલ મુજબ જુલાઈમાં બાંગ્લાદેશની વચગાળાની સરકારે હસીનાનું પ્રત્યાર્પણ કરવાના સત્તાવાર પ્રયાસો શરૂ કર્યા. વચગાળાના વહીવટના વિદેશ બાબતોના સલાહકાર મોહમ્મદ તૌહીદ હુસૈને પુષ્ટિ કરી કે ભારતીય સત્તાવાળાઓને એક ઔપચારિક વિનંતી મોકલવામાં આવી છે. પ્રક્રિયામાં વિલંબ અંગેના પ્રશ્નોના જવાબ આપતા હુસૈને કહ્યું કે અમે એક પત્ર મોકલ્યો છે. જો જરૂરી હશે તો અમે ફોલો-અપ કરીશું.
