Anthony Albanese Marriage: ઑસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બનીઝે 62 વર્ષની ઉંમરે બીજી વાર લગ્ન કર્યા છે. જોડી હેડન કે જેઓ ઘણા વર્ષોથી તેમની સાથે રહી રહ્યા હતા તેઓ હવે સત્તાવાર રીતે ઑસ્ટ્રેલિયાના 'ફર્સ્ટ લેડી' બની ગયા છે. આ ઑસ્ટ્રેલિયન ઇતિહાસમાં પ્રથમ વખત બન્યું છે કે કોઈ વડાપ્રધાન પદ પર રહીને લગ્નના બંધનમાં બંધાયા હોય. આ સાદગીપૂર્ણ સમારોહ કેનબેરામાં વડાપ્રધાનના નિવાસસ્થાન 'ધ લૉજ' ખાતે યોજાયો હતો, જેમાં માત્ર નજીકના પરિવાર અને મિત્રો જ સામેલ થયા હતા.
વેલેન્ટાઇન ડેના રોજ હેડનને પ્રપોઝ કર્યું હતું
જોડી હેડન લાંબા સમયથી આલ્બનીઝની સાથે જાહેર કાર્યક્રમોમાં નજર આવતા રહ્યા છે. તેઓ 2022ની ચૂંટણી પ્રચાર દરમિયાન પણ તેમની સાથે હતા અને આ વર્ષે મે મહિનામાં તેમની લેબર પાર્ટીની શાનદાર જીત સમયે પણ તેઓ ઉપસ્થિત હતા. ગયા વર્ષે વેલેન્ટાઇન ડેના રોજ અલ્બનીઝે હેડનને પ્રપોઝ કર્યું હતું, ત્યારથી જ આ લગ્નની રાહ જોવાતી હતી. જોકે, સમારોહની તારીખ અને તૈયારીઓ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવી હતી.
Married💍❤️💍 pic.twitter.com/mSzojtBF2I
— Anthony Albanese (@AlboMP) November 29, 2025
લગ્નમાં હેડને સિડનીના ડિઝાઇનર 'રોમાન્સ વોઝ બોર્ન' દ્વારા ડિઝાઇન કરેલો ડ્રેસ પહેર્યો હતો, જ્યારે વડાપ્રધાને MJ Baleનો સૂટ પસંદ કર્યો હતો. હેડનની પાંચ વર્ષની ભાણી એલા ફ્લાવર ગર્લ બની હતી અને સૌથી રસપ્રદ બાબત એ હતી કે વડાપ્રધાનના પાલતુ કૂતરા ટોટોએ રિંગ બેરર (રીંગ લઈ જનાર)ની ભૂમિકા ભજવી હતી.
વડાપ્રધાન કાર્યાલય મુજબ અલ્બનીઝ અને હેડન હવે સોમવારથી આવતા શુક્રવાર સુધી ઑસ્ટ્રેલિયામાં જ તેમનું હનીમૂન મનાવશે. ઉલ્લેખનીય છે કે એન્થની અલ્બનીઝે અગાઉ 2000માં કેરમેલ ટેબુટ સાથે લગ્ન કર્યા હતા, પરંતુ 2019માં તેમના છૂટાછેડા થઈ ગયા હતા. તેમને પહેલા લગ્નથી એક પુત્ર પણ છે.
