Attack: ઈઝરાયલે સીરિયાના હોમ પ્રાંતમાં વ્યાપક પ્રમાણમાં બોમ્બમારો કર્યો છે. અનેક સ્થળો પર કરવામાં આવેલા હુમલામાં 5 સૈનિકોને ઈજા પહોંચી છે ત્યારે ઈરાનના એક સૈન્ય કમાન્ડરનું મોત થયું છે.
ઈરાનનો સૈન્ય કમાન્ડર મિલાદ હૈદરી આ હુમલામાં માર્યો ગયો છે. ઈરાન સીરિયામાં માર્ચ, 2011માં સંઘર્ષ શરૂ થયો ત્યારથી રાષ્ટ્રપતિ બશર અસદની સરકારનું સમર્થન કરી રહ્યું છે તથા યુદ્ધની શરૂઆતથી જ પોતાના સલાહકાર મોકલ્યા છે.

સીરિયાએ ઈઝરાયલની મિસાઈલો તોડી પાડી
સીરિયાના ઓબ્ઝર્વેટરી ફોર હ્યૂમન રાઈટ્સે રવિવારે કહ્યું કે આ વર્ષની શરૂઆતથી જ ઈઝરાયલે નવમી વખત વિવિધ સ્થળોને નિશાન બનાવ્યા છે. સ્થાનિક ન્યૂઝ એજન્સીની માહિતી પ્રમાણે સૈન્ય સૂત્રોને ટાંકી કહેવામાં આવ્યું છે કે હોમ્સ શહેર તથા આજુબાજુના વિસ્તારોમાં અનેક સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા છે.

એજન્સીએ દાવો કર્યો છે કે સીરિયાની હવાઈ સુરક્ષા વ્યવસ્થાએ કેટલીક ઈઝરાયલી મિસાઈલને હવામાં જ તોડી નાંખી હતી.
ઈઝરાયલ તરફથી આ હુમલા અંગે કોઈ ખાસ માહિતી જાહેર કરવામાં આવી નથી. તાજેતરના સમયમાં જ ઈઝરાયલે સીરિયાના સરકાર નિયંત્રણ હેઠળના વિસ્તારોમાં મોટી સંખ્યામાં હુમલા કર્યાં છે.

આ અગાઉ પણ શુક્રવારે ઈઝરાયલે સીરિયાની રાજધાની દમિશ્ક નજીક હવાઈ હુમલા કર્યાં હતા, જેમાં ઈરાનના સલાહકારનું મોત થયું હતું.