US Plane Crash: અમેરિકામાં મોટી દુર્ઘટના; લુઈસવિલ એરપોર્ટ પાસે UPS કાર્ગો વિમાન ક્રેશ, 3 લોકોના મોત

અમેરિકાના લુઇસવિલ શહેરમાં યુપીએસનું કાર્ગો વિમાન લુઇસવિલ એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના તરત જ બાદ ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં 3 લોકોના મૃત્યુ થયા છે.

By: Kajal ChauhanEdited By: Kajal Chauhan Publish Date: Wed 05 Nov 2025 10:23 AM (IST)Updated: Wed 05 Nov 2025 11:56 AM (IST)
america-ups-plane-crashes-near-louisville-3-people-dead-632635

US Plane Crash News: અમેરિકાના કેન્ટકી રાજ્યના લુઇસવિલ શહેરમાં એક વિમાન ક્રેશ થયું છે. યુપીએસનું MD 11 કાર્ગો વિમાન લુઇસવિલ એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના તરત જ બાદ દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. યુપીએસ એક પાર્સલ કંપની છે. આ ભયાનક અકસ્માત મંગળવારે સાંજે લગભગ 5 વાગ્યે થયો હતો, જ્યારે UPS ફ્લાઇટ 2976 એ લુઇસવિલ એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી. આ વિમાન હવાઈ જઈ રહ્યું હતું.

વિમાન ક્રેશમાં 3 લોકોના મોત

ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશનના જણાવ્યા અનુસાર UPS નું આ MD-11 વિમાન ટેકઓફના તરત જ બાદ દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ દુર્ઘટનામાં 3 લોકોના મૃત્યુ થયા છે અને 11 ઈજાગ્રસ્ત થયા છે. નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડની આગેવાની હેઠળ FAA સાથે મળીને આ અકસ્માતની તપાસ શરૂ કરવામાં આવી છે.

વિશ્વના સૌથી મોટા હબ માટે ચિંતા

દુર્ઘટનાગ્રસ્ત થયેલું વિમાન MD-11F મોડલનું હતું. આ વિમાન મૂળરૂપે મેકડોનેલ ડગ્લાસ કંપનીએ બનાવ્યું હતું અને બાદમાં બોઇંગે તેનું ઉત્પાદન સંભાળ્યું હતું. આ વિમાન ખાસ કરીને કાર્ગો માટે વપરાય છે અને જે વિમાન ક્રેશ થયું તે 1991માં બનાવવામાં આવ્યું હતું.

રાહત અને સુરક્ષા પગલા

ઘટના બાદ લુઇસવિલ મેટ્રો પોલીસ અને અન્ય એજન્સીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં એરપોર્ટ નજીક કાળા ધુમાડાનો મોટો ગોટેગોટો ઉઠતો દેખાયો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનું વાતાવરણ સર્જાયું હતું.

પોલીસે એરપોર્ટથી 8 કિમીના દાયરામાં તમામ વિસ્તારો માટે ‘શેલ્ટર-ઇન-પ્લેસ’ ચેતવણી જાહેર કરી છે. રાહત અને તપાસ કાર્યમાં કોઈ અવરોધ ન આવે તે માટે 'ફર્ન વેલી' અને 'ગ્રેડ લેન' વચ્ચેનો રસ્તો પણ અનિશ્ચિત સમય માટે બંધ કરી દેવામાં આવ્યો છે.

લુઇસવિલ મુહમ્મદ અલી ઇન્ટરનેશનલ એરપોર્ટ UPS માટે દુનિયાનું સૌથી મોટું હબ છે. અહીં કંપનીનું 'વર્લ્ડપોર્ટ' આવેલું છે, જે 50 લાખ ચોરસ ફૂટમાં ફેલાયેલું છે. આ વિશાળ કેન્દ્રમાં દરરોજ 12 હજારથી વધુ કર્મચારીઓ લગભગ 20 લાખ પાર્સલની પ્રોસેસિંગ કરે છે. આ કારણોસર આ ગંભીર અકસ્માત UPS માટે મોટી ચિંતાનો વિષય બન્યો છે.