US OPT Visa Rules 2026: અમેરિકામાં અભ્યાસ કરતા અને અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ત્યાં નોકરીનું સ્વપ્ન જોતા ભારતીય વિદ્યાર્થીઓ માટે વધુ એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ટ્રમ્પ વહીવટીતંત્રે વિદેશી વિદ્યાર્થીઓ માટે કામ કરવા સંબંધિત 'ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ' (OPT) પ્રોગ્રામના નિયમોમાં મોટા ફેરફારોનો પ્રસ્તાવ મૂક્યો છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (DHS) દ્વારા પ્રસ્તાવિત આ ફેરફારો હેઠળ, OPT માટે વિદ્યાર્થીઓની ભલામણ કરતી સંસ્થાઓ પાસેથી $70,000 સુધીની ભારે ફી વસૂલવાની જોગવાઈ કરવામાં આવી છે.
નવા પ્રસ્તાવિત ફી માળખાની વિગતો
DHS દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રસ્તાવ અનુસાર, જ્યારે કોઈ સંસ્થા F-1 વિઝા ધરાવતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી માટે પ્રથમ વખત OPT ની ભલામણ કરશે, ત્યારે તેણે $70,000 ની ફી ચૂકવવી પડશે. ત્યારબાદ, દરેક વખતે OPT ના રિન્યુઅલ અથવા તે પછીની ભલામણ માટે $30,000 ની ફી નક્કી કરવાનો પ્રસ્તાવ છે. અને હાલના સમયે OPT અરજી માટેની પ્રોસેસિંગ ફી આ પ્રસ્તાવિત રકમ કરતાં અત્યંત ઓછી છે. આ નિર્ણયની ખાસિયત એ છે કે આ ફી વિદ્યાર્થીઓ પાસેથી સીધી વસૂલવાને બદલે તેમની ભલામણ કરતી સંસ્થાઓ કે કંપનીઓ પર લાદવામાં આવશે.
શું છે OPT પ્રોગ્રામ?
OPT એ F-1 વિઝા પર અમેરિકામાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને તેમના ડિગ્રી સેક્ટર સંબંધિત ક્ષેત્રમાં કામ કરવાની કાનૂની મંજૂરી આપતો મહત્વપૂર્ણ પ્રોગ્રામ છે. સામાન્ય રીતે અંડરગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ અભ્યાસ બાદ 1 વર્ષ સુધી કામ કરી શકે છે. જ્યારે સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને મેથ્સ (STEM) ધરાવતા વિદ્યાર્થીઓને વધારાના 2 વર્ષ (કુલ 3 વર્ષ) માટે OPT નો લાભ મળે છે.
DHS ની દલીલ અને નિર્ણય પાછળનું કારણ
ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીના જણાવ્યા અનુસાર, આ ઊંચી ફીનો મુખ્ય ઉદ્દેશ્ય વિઝા પ્રોગ્રામમાં થતી ગેરરીતિઓ, છેતરપિંડી અને દુરુપયોગને રોકવાનો છે. અમેરિકી ઇમિગ્રેશન સિસ્ટમ પર દેખરેખ મજબૂત કરવા અને સ્થાનિક અમેરિકન કામદારોના રોજગારનું રક્ષણ કરવા માટે આ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. વહીવટીતંત્રે ચિંતા વ્યક્ત કરી હતી કે કેટલીક કંપનીઓ OPT પ્રોગ્રામનો ઉપયોગ સસ્તા વિદેશી શ્રમ મેળવવાની તક તરીકે કરી રહી છે.
ભારતીય વિદ્યાર્થીઓ પર સંભવિત અસર
અમેરિકામાં ઉચ્ચ શિક્ષણ મેળવતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ભારતીયોનો મોટો હિસ્સો STEM ક્ષેત્રોમાં અભ્યાસ કરે છે. જો સંસ્થાઓ પર $70,000 જેવી માતબર ફીનો બોજ પડશે, તો તેઓ વિદેશી વિદ્યાર્થીઓની ભરતી કરવા કે OPT માટે ભલામણ કરવાથી પાછળ હટી શકે છે. યુનિવર્સિટીઓએ પણ ચિંતા દર્શાવી છે કે આ પગલાથી શિક્ષણ અને નોકરી માટે અમેરિકા આવતા વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટો ઘટાડો થઈ શકે છે.
પ્રસ્તાવનો હજુ સુધી અમલ થયો નથી
ઉલ્લેખનીય છે કે આ પ્રસ્તાવને હજુ આખરી ઓપ આપવામાં આવ્યો નથી કે તેનો અમલ શરૂ થયો નથી. હાલમાં આ મુદ્દે જાહેર અભિપ્રાય માંગવામાં આવશે અને ત્યારબાદ જ DHS દ્વારા આખરી નિર્ણય લેવાશે. નિષ્ણાતોના મતે, આ નીતિ સામે ભવિષ્યમાં કાનૂની પડકારો પણ ઊભા થઈ શકે છે.
