Abdul El Sayed: અમેરિકાની 2026ની મધ્યસત્ર ચૂંટણીઓ (US Midterm Elections 2026) માં રાજકીય ઇતિહાસ રચાયો છે. ડેમોક્રેટિક ઉમેદવાર અબ્દુલ અલ-સૈયદે (Abdul El-Sayed) મિશિગનમાં યુ.એસ. સેનેટની બેઠક માટે યોજાયેલી હાઇ-પ્રોફાઇલ અને અત્યંત રસાકસીભરી ચૂંટણીમાં રિપબ્લિકન નેતા માઈક રોજર્સને પરાજય આપીને ભવ્ય વિજય મેળવ્યો છે. આ ઐતિહાસિક સફળતા સાથે અલ-સૈયદ યુ.એસ. સેનેટમાં ચૂંટાઈને પહોંચનારા દેશના પ્રથમ મુસ્લિમ સેનેટર બન્યા છે.
ભારત અને કર્ણાટકના ભટકલ સાથે ખાસ કૌટુંબિક સંબંધ
અબ્દુલ અલ-સૈયદનો આ વિજય ભારત માટે પણ ખાસ કરીને દક્ષિણ ભારત માટે વિશેષ જોડાણ ધરાવે છે. તેઓ ભારતીય મૂળના પરિવાર સાથે વૈવાહિક સંબંધ ધરાવે છે. તેમની પત્ની, જાણીતા મનોચિકિત્સક ડૉ. સારાહ જુકાકુ, કર્ણાટકના દરિયાકાંઠા વિસ્તારમાં આવેલા ભટકલ શહેર સાથે સંબંધ ધરાવે છે. ડૉ. સારાહ ભૂતપૂર્વ મૈસૂર રાજ્યમાં નાણાં વિભાગના નાયબ મંત્રી રહી ચૂકેલા જુકાકુ શમસુદ્દીનની પૌત્રી છે.
પોતાના આ જોડાણ અંગે ખુલાસો કરતાં અલ-સૈયદે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, "મેં 20 વર્ષ પહેલાં દક્ષિણ ભારતીય પરિવારમાં લગ્ન કર્યા હતા અને હું હવે તે પરિવારનો સંપૂર્ણ હિસ્સો છું. સાચું કહું તો, હું આરબ હોવા કરતાં કદાચ વધુ ભારતીય છું. તેમના પરિવારના મૂળ ભટકલના છે અને મોટાભાગના સભ્યો બેંગલુરુમાં સ્થાયી થયેલા છે." પૂર્વ 'રોડ્સ સ્કોલર' રહી ચૂકેલા અલ-સૈયદ અને સારાહની મુલાકાત યુનિવર્સિટી ઓફ મિશિગનમાં અભ્યાસ દરમિયાન થઈ હતી.
ડોનાલ્ડ ટ્રમ્પના વિરોધ અને ટિપ્પણીઓ વચ્ચે મેળવ્યો વિજય
મિશિગનની આ ચૂંટણી રાષ્ટ્રીય સ્તરે ભારે ચર્ચામાં રહી હતી, કારણ કે ડેમોક્રેટ્સ માટે સેનેટ પર નિયંત્રણ મેળવવા આ બેઠક અત્યંત નિર્ણાયક હતી. ચૂંટણી પ્રચાર દરમિયાન ભૂતપૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અલ-સૈયદનો સખત વિરોધ કર્યો હતો. ટ્રમ્પે એક રેલીમાં તેમના પર વિવાદિત ટિપ્પણી કરતા તેમને "જેહાદી" કહ્યા હતા અને શરિયા કાયદો લાગુ કરવાનો દાવો કરીને તેમના વિરોધમાં પ્રચાર કર્યો હતો. આમ છતાં, મિશિગનના મતદારોએ અબ્દુલ અલ-સૈયદ પર વિશ્વાસ મૂકીને તેમને સેનેટમાં મોકલ્યા છે.
જાહેર આરોગ્ય અને 'સાર્વત્રિક આરોગ્યસંભાળ' મુખ્ય મુદ્દો
અબ્દુલ અલ-સૈયદની આ સફળતા તબીબી ક્ષેત્રથી શરૂ થયેલી તેમની સફરનો મહત્વપૂર્ણ પડાવ છે. શરૂઆતમાં ડૉક્ટર બનવા માટે તાલીમ લેનાર અલ-સૈયદને સમજાયું કે વહીવટી અને રાજકીય ખામીઓ જ સામાન્ય લોકોની સ્વાસ્થ્ય સમસ્યાઓનું મૂળ કારણ છે. આથી તેમણે પબ્લિક હેલ્થ અને એડમિનિસ્ટ્રેશન ક્ષેત્ર પસંદ કર્યું હતું અને 'વેઈન કાઉન્ટી ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ વેટરન્સ સર્વિસીસ'ના નિયામક તરીકે પણ સેવાઓ આપી હતી.
તેમનો સમગ્ર ચૂંટણી પ્રચાર "સાર્વત્રિક આરોગ્યસંભાળ", સરકારી જવાબદારી અને ધનિકો કે મોટો કોર્પોરેશનોને બદલે સામાન્ય અમેરિકન નાગરિકો માટે કામ કરતી વ્યવસ્થા ઊભી કરવાના મુદ્દાઓ પર કેન્દ્રિત રહ્યો હતો.
