US Midterms 2026: અમેરિકાના રાજકારણમાંથી આ સમયે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિડટર્મ ચૂંટણીના પરિણામોમાં ડેમોક્રેટિક પાર્ટીએ એવો મોટો ઉલટફેર કર્યો છે જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. ખાસ કરીને રિપબ્લિકન પાર્ટીનો ગઢ ગણાતા કેન્સાસ રાજ્યમાં ડેમોક્રેટિક ઉમેદવાર એડમ હેમિલ્ટને જે જીત નોંધાવી છે, તેણે સૌ કોઈને ચોંકાવી દીધા છે.
હેમિલ્ટને રિપબ્લિકન સેનેટર રોઝર માર્શલને સીધા મુકાબલામાં ધૂળ ચાટતા કરી દીધા છે. નોંધનીય છે કે, કેન્સાસમાં લગભગ છેલ્લી એક સદીથી રિપબ્લિકન પાર્ટીનું જ વર્ચસ્વ રહ્યું હતું. પણ આ પરિણામ સાથે જ ત્યાં છેલ્લા 94 વર્ષથી ચાલ્યો આવતો રિપબ્લિકન દબદબો એક ક્ષણમાં ખતમ થઈ ગયો છે.
1932 પછી પહેલીવાર બદલાયું કેન્સાસનું રાજકારણ
કેન્સાસના ડેમોક્રેટ્સ માટે આ ક્ષણ કોઈ સ્વપ્નથી ઓછી નથી. વર્ષ 1932 પછી આ પ્રથમ વખત બન્યું છે જ્યારે કોઈ ડેમોક્રેટ ઉમેદવારે કેન્સાસમાંથી સેનેટની ચૂંટણી જીતી હોય. રાજકીય વિશ્લેષકોના મતે, આ પરિણામ માત્ર એક બેઠકની હાર-જીત નથી, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની નીતિઓ સામે પ્રજામાં વધી રહેલા ભારે અસંતોષનો સ્પષ્ટ સંકેત છે.
મોંઘવારી અને ઈરાન વિવાદથી જનતા પરેશાન
સ્થાનિક લોકો અને મતદાતાઓમાં આર્થિક નીતિઓને લઈને ભારે નારાજગી જોવા મળી રહી હતી. વધી રહેલી મોંઘવારી, અર્થતંત્રનું ખોરવાયેલું બેલેન્સ અને ઈરાન સાથે વધી રહેલી ખેંચતાણથી સામાન્ય અમેરિકનો આજીજ આવી ગયા હતા. 'ધ એસોસિએટેડ પ્રેસ'ના રિપોર્ટ મુજબ, આ એક બેઠક બચાવવા માટે બંને પક્ષોએ પાણીની જેમ પૈસા વહાવ્યા હતા. આ ચૂંટણીમાં આશરે 110 મિલિયન ડોલર (અંદાજે 900 કરોડથી વધુ રૂપિયા) નો ખર્ચ થયો હતો, જે કેન્સાસના ઈતિહાસમાં એક નવો રેકોર્ડ છે.
ટ્રમ્પ-વેન્સની રેલીઓ પણ ન કામ આવી
માર્શલને જીતાડવા માટે રિપબ્લિકન પાર્ટીએ પોતાની આખી તાકાત લગાવી દીધી હતી. ઓક્ટોબર મહિનામાં ખુદ ડોનાલ્ડ ટ્રમ્પે અહીં બે મોટી રેલીઓ કરી હતી અને વાઇસ પ્રેસિડેન્ટ જે.ડી. વેન્સે પણ ઘણી સભાઓ ગજવી હતી. આમ છતાં, જનતાએ ફેરબદલ કરવાનો મૂડ બનાવી લીધો હતો.
હેમિલ્ટને કેવી રીતે પલટી બાજી?
એડમ હેમિલ્ટને પોતાના પ્રચારમાં વોશિંગ્ટનના પક્ષપાતી રાજકારણથી દૂર રહીને બિન-પક્ષપાતી અને સ્વતંત્ર વિચારસરણી રજૂ કરી હતી. તેમણે મુખ્યત્વે તટસ્થ અને અપક્ષ મતદારોને પોતાના પક્ષમાં કર્યા. તેમણે સેનેટમાં સામાન્ય જનતાનો સાચો અવાજ બનવાનું વચન આપ્યું, જે આખરે તેમને જીત તરફ લઈ ગયું.
