Heart Attack: છેલ્લા કેટલાક સમયથી નાની ઉંમર અને હવે તો કિશોર અવસ્થામાં પણ હાર્ટ એટેકની ઘટના સામે આવી રહી છે. લાઈફસ્ટાઈલમાં પરિવર્તન લાવી તથા યોગ્ય ફિટનેસ સાથે આ જોખમને કંઈક હસ્તક ઘટાડી શકાય છે અથવા તો તેનાથી બચી શકાય છે. આજે આપણે એવા કેટલાક કારણો અંગે વાત કરશું કે જે હાર્ટ એટેક માટે મોટા કારણ હોઈ શકે છે.
હાર્ટ એટેક માટે 7 મહત્વના કારણો
ડાયાબિટીસઃ હાર્ટ એટેકના સૌથી મોટા કારણોમાં ડાયાબિટીસ પ્રથમ ક્રમાંક પર આવે છે. જો ડાયાબિટીસમાં બ્લડ શુગરનું લેવલ ખતરનાક સ્તરે પહોંચી જાય તો તે હાર્ટ એટેક આવી શકે છે. માટે જ ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવો જોઈએ.
તણાવ અને હતાશા: મોટાભાગના લોકો તણાવની સમસ્યા સાથે સંઘર્ષ કરી રહ્યા છે. જ્યારે તણાવ હદ વટાવી જાય છે ત્યારે તે ડિપ્રેશનમાં ફેરવાઈ જાય છે. ડિપ્રેશન અને સ્ટ્રેસને કારણે હાર્ટ એટેકનું જોખમ નોંધપાત્ર રીતે વધી જાય છે.
હાઈ બ્લડ પ્રેશર: બ્લડ પ્રેશરની બીમારીથી પીડિત લોકોને હાર્ટ એટેકનું જોખમ વધારે હોય છે. જો બ્લડપ્રેશર કાબૂમાં ન રહે તો તે હાર્ટ એટેકનું કારણ બની જાય છે.
ધુમ્રપાનઃ સિગારેટ અને બીડી એ આજના સમયમાં ફેશન બની ગઈ છે, પણ તેના ધુમાડાથી હૃદય માટે ગંભીર ખતરો છે. સિગારેટના કારણે ઘણા લોકોને હાર્ટ એટેક આવે છે. માટે સિગારેટ તાત્કાલિક છોડી દેવી જોઈએ.
ફેમિલી હિસ્ટ્રી: કેટલાક લોકોને તેમના પરિવારમાં હાર્ટ એટેકનો ઇતિહાસ હોય છે. જેના લીધે યુવાનો પણ હૃદયરોગનો શિકાર બને છે. જો તમને હાર્ટ એટેકનો પારિવારિક ઇતિહાસ હોય, તો નિષ્ણાતની સલાહ લો.
હાઈ કોલેસ્ટ્રોલઃ જ્યારે કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી જાય છે ત્યારે તે લોહીની નસોમાં જમા થાય છે અને હૃદયમાં જતું લોહી બંધ કરી દે છે. જેના કારણે હાર્ટ એટેક અથવા કાર્ડિયાક અરેસ્ટ થાય છે. કોલેસ્ટ્રોલ હંમેશા નિયંત્રણમાં રાખવું જોઈએ.
સ્થૂળતા: તમને જાણીને આશ્ચર્ય થશે કે સ્થૂળતા આપણા હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે. સ્થૂળતાના કારણે પણ હાર્ટ એટેક આવી શકે છે. એટલા માટે તમારે તમારા વજન પર નિયંત્રણ રાખવું જોઈએ.
