Veraval: ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ કરાવવા માટે પોલીસ સતત પ્રયત્નશિલ છે, તેમ છતાં કેટલાક બુટલેગરો બેખૌફ થઇને દારૂની હેરાફેરી કરે છે, તો કેટલાક એવી ટેક્નિક અપનાવે છેકે ખૂદ પોલીસ એ ટેક્નિક જોઇને વિચારમાં પડી જાય છે. આવુંજ કઇંક વેરાવળ પાસે બન્યું છે. વેરાવળ નજીક હિરણ નદીના પુલ પર બાતમીના આધારે પોલીસે એક કારની તપાસ કરી હતી જેમાં કારની પાછળની સીટમાં ચોરખાનું બનાવીને દારૂ સંતાડવામાં આવ્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર, ઉના વિસ્તારમાંથી વિદેશી દારુનો જથ્થો ભરીને કાર આવી રહી હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે ગીરસોમનાથ પોલીસ અને એલસીબીની ટીમે વેરાવળ નજીક હિરણ નદીના પુલ પાસે કારને રોકી હતી. પ્રાથમિક તપાસ કરવામાં આવતા કારમાંથી દારૂ મળ્યો ન હતો. એક સમયે પોલીસને પણ લાગ્યું કે બાતમી ખોટી છે, પરંતુ એલસીબીની ટીમે ઝીણવટભરી તપાસ કરતા બુટલેગરની ટેક્નિક પોલીસ પણ જોતી રહી ગઇ હતી.
ઝીણવટભરી તપાસ દરમિયાન કારની પાછળની સીટમાં વચ્ચે હાથ રાખવાની હેટ સીટની પાછળના ભાગે ચોરખાનું દેખાયું હતું. એ ખોલીને પોલીસે તપાસ કરતા તેમાંથી વિદેશી દારુની બોટલોનો જથ્થો મળી આવ્યો હતો. જેમાંથી 83 જેટલી બોટલ મળી આવી હતી. જેની કિંમત 33,640 રૂપિયા છે. પોલીસે જથ્થો જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ કાર ચાલક પોરબંદર હોવાનું સામે આવ્યું હતું. પોરબંદર શહેરના જુરી શેરીમાં રહેતો વિવેક દેવજી જુગીની પોલીસે અટકાયત કરી છે. તેની પૂછપરછ કરતા દારૂનો જથ્થો ઉનાના કોબ ગામે રહેતો યાજ્ઞિક ભીમ બાંભણિયા પાસેથી ભરીને પોરબંદર લઈ જતો હોવાનું જાણવા મળ્યું છે. ગુનો નોંધી એલસીબીએ આગળની તપાસ હાથ ધરી હતી.