VIDEO: ગીર સોમનાથના સવની ગામમાં કૂવામાં પડેલા દીપડાનું સફળ રેસ્ક્યૂ, જુઓ વીડિયો

વેરાવળ પંથકના સવની ગામના રહેવાસી નારણભાઈ રામાભાઈ પરમારની વાડીના કૂવામાં નવ વર્ષીય નર દીપડો ખાબકી ગયો હતો.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Wed, 07 Oct 2026 10:08 AM (IST)Updated: Wed, 07 Oct 2026 10:08 AM (IST)
gir-somnath-leopard-rescue-forest-team-saves-leopard-after-it-falls-into-well-in-savni-village-see-video

Gir Somnath Leopard Rescue Video: ગીર સોમનાથ અને ગીરના જંગલ વિસ્તારોમાં વન્યપ્રાણીઓની અવરજવર રહેતી હોય છે. વન વગડાઓ પર માનવોનું વધારે અતિક્રમણ થતાં દીપડા, સિંહ જેવા હિંસક પશુઓ માનવ વસ્તી તરફ શિકારની શોધમાં આવી ચડતાં હોય છે. તેમજ વન વિસ્તારની નજીક આવતાં ખેતરોમાં વન્ય પ્રાણીઓની આવનજાવન રહેતી હોય છે. પરંતુ અકસ્માતે ઘણીવાર કૂવામાં પશુઓ ખાબકીને મોતને ભેટતા હોય છે. આવો જ એક બનાવ વેરાવળ પંથકમાંથી સામે આવ્યો છે.

દીપડો ખેતરના કૂવામાં ખાબક્યો

મળતી વિગત અનુસાર, વેરાવળ પંથકના સવની ગામના રહેવાસી નારણભાઈ રામાભાઈ પરમારની વાડીના કૂવામાં નવ વર્ષીય નર દીપડો ખાબકી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં ગ્રામજનો દીપડાને જોવા માટે વાડીએ દોડી આવ્યા હતા. દીપડો પડવા અંગે વન વિભાગને તાત્કાલિક ધોરણે જાણ કરવામાં આવી હતી. નવ વિભાગને જાણ થતાં જ વન વિભાગનો કાફલો વાડીએ દોડી આવ્યો હતો.

વન વિભાગે દીપડાને બહાર નીકાળ્યો

વન વિભાગના કર્મચારીઓએ દીપડાને કૂવા બહાર નીકાળવાની કામગીરી ત્વરિત શરુ કરી હતી. ટીમે કૂવામાં ફસાયેલા દીપડાને સાવધાની અને લાંબી જહેમત બાદ બહાર નીકાળ્યો હતો. સલામત રીતે દીપડાને બહાર નીકાળ્યા બાદ વન વિભાગે દીપડાને યોગ્ય સારવાર અને નિરીક્ષણ માટે અમરાપુર એનિમલ કેર સેન્ટરે ખસેડયો હતો. હાલ દીપડાના સ્વાસ્થ્યની સ્થિતિ પર વન વિભાગ નજર રાખી રહ્યું છે.