Una News: ઉનમાં રામનવમીની ઉજવણીના કાર્યક્રમ દરમિયાન કાજલ હિન્દુસ્તાની દ્વારા ભડકાઉ ભાષણ આપવામાં આવ્યું હતું. જેને લઇને ઉના શહેરમાં બે સમાજના અલગ-અલગ જૂથો સામે આવી ગયા હતા અને પથ્થરમારો પણ થયો હતો. જોકા બાદમાં શાંતિભર્યો માહોલ ઉભો થયો હતો પરંતુ ગઇકાલે ફરી એકવાર શહેરની શાંતિ ડહોળાઈ હતી. બન્ને જૂથો ફરી એકવાર સામે સામે આવી જતાં પોલીસના ધાડેધાડા ઉતારવા પડ્યા હતા. ઉનામાં રામનવમીના દિવસે ભડકાઉ ભાષણ આપવા બદલ કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જ્યારે શહેરમાં અશાંતિભર્યુ વાતાવરણ ઉભુ થવા બદલ 50થી વધુની અટકાયત કરવામાં આવી છે.
બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, ઉના શહેરમાં રામનવમીની ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં શોભાયાત્રા પૂર્ણ થયા બાદ કાજલ હિન્દુસ્તાની દ્વારા ભડકાઉ ભાષણ કરવામાં આવ્યા બાદ શહેરમાં તંગદિલી ભર્યું વાતાવરણ ઉભુ થયું હતું. બે જૂથો સામસામે આવી જતાં પોલીસનો કાફલો શહેરમાં ગોઠવવામાં આવ્યો છે. ઉનામાં શાંતિ જળવાઇ રહે એ માટે ધારાસભ્ય અને મુસ્લિમ સમાજના આગેવાનો વચ્ચે બેઠક મળી હતી. જોકે તે દરમિયાન પણ વાતાવરણ ઉગ્ર બની ગયું હતું. જેના કારણે શહેરમાં ટોપોટપ દુકાનો બંધ થઇ ગઇ હતી.
એસપીની હાજરીમાં ફરી એકવાર શાંતિ બેઠક કરવામાં આવી હતી અને આગેવાનો વચ્ચે સમાધાન થયું હતું. પરંતુ સાંજે ફરીથી શહેરનું વાતવરણ તંગ બન્યું હતું. પથ્થરમારોની ઘટના પુનઃ બનતા જિલ્લાભરમાંથ પોલીસકર્મીઓને ઉના બોલાવી લેવામાં આવ્યા હતા. ગત રાત્રિના સમયથી જ ગીર સોમનાથમાં પોલીસ અને એસ.આર.પી.એફ.ની ટૂકડીઓ બંદોબસ્ત માટે ઉતારી દેવામાં આવી હતી.
આજરોજ સમાચાર મળી રહ્યા છે કે ગીર સોમનાથ પોલીસને 70 જેટલા લોકો પથ્થરમારાની ઘટના બાબતે અટકાયત કરી છે. આ બાબતે ઇન્ચાર્જ એસ.પી. શ્રીપાલ શેષમાં મિડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હાલ તપાસ ચાલતી હોય ગોપનિયતાને ધ્યાને રાખી કોઇ વિગતો આપી શકાય નહીં. પરંતુ સ્થિતી કાબૂમાં છે અને કાર્યવાહી પૂર્ણ થતા માહિતી જાહેર કરવામાં આવશે. 50 થી વધુ લોકોને અટકાયત કરી છે અને અલગ અલગ બે જેટલી ફરિયાદ નોંધવામાં આવી છે અને પોલીસ દ્વારા કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે.