Gir Somnath: રાજકોટની નવયુગ સ્કૂલ દ્વારા આયોજિત શૈક્ષણિક પ્રવાસ દરમિયાન એક અત્યંત હૃદયદ્રાવક દુર્ઘટના ઘટી છે. સાસણ નજીક આવેલા એક રિસોર્ટના સ્વિમિંગ પૂલમાં નહાતી વખતે 13 વર્ષીય વિદ્યાર્થી હાર્દિક બારૈયાનું ડૂબી જવાથી કરુણ મોત નિપજ્યું છે. હસતા-રમતા બાળકોનો પ્રવાસ પળવારમાં શોકમાં ફેરવાઈ ગયો હતો અને ગરીબ પરિવારનો એકનો એક લાડકવાયો છીનવાઈ જતાં પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
પૂલમાં નહાવા પડ્યો અને સર્જાયો કાળો કેર
રાજકોટના હાથીખાના વિસ્તારમાં આવેલી નવયુગ સ્કૂલના ધોરણ 5 થી 12ના 157 વિદ્યાર્થીઓ અને 12 શિક્ષકો સોમનાથ-સાસણના પ્રવાસે નીકળ્યા હતા. 19 ડિસેમ્બરના રોજ સોમનાથના દર્શન કરી પરત ફરતી વખતે બપોરે 12 વાગ્યાની આસપાસ વિદ્યાર્થીઓ સાસણ-તાલાલા રોડ પર આવેલા 'ધ ગીર ગેટ વે રિસોર્ટ'માં જમવા માટે રોકાયા હતા. જમ્યા બાદ ધોરણ-8માં અભ્યાસ કરતો હાર્દિક મુકેશભાઈ બારૈયા સ્વિમિંગ પૂલમાં નહાવા પડ્યો હતો, જ્યાં અચાનક તે ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. તેને તાત્કાલિક બહાર કાઢી તાલાલા હોસ્પિટલ ખસેડાયો હતો, પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
આ પણ વાંચો
પિતાનું હૈયાફાટ રુદન
હાર્દિકના પિતા કેમિકલ ફેક્ટરીમાં મજૂરી કરીને ઘર ચલાવે છે. હાર્દિક બે બહેનોનો એકનો એક ભાઈ હતો. હોસ્પિટલ પહોંચેલા પિતાએ જ્યારે પોતાના દીકરાનો નિશ્ચેતન દેહ જોયો ત્યારે તેમના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. પિતાના શબ્દો "દીકરા ઊભો થા.. જો પપ્પા આવી ગયા" એ ત્યાં હાજર દરેક વ્યક્તિની આંખમાં આંસુ લાવી દીધા હતા.
શિક્ષકોની બેદરકારીના આક્ષેપ
મૃતકના પરિવારજનોએ સ્કૂલના શિક્ષકો પર ગંભીર બેદરકારીના આક્ષેપો કર્યા છે. હોસ્પિટલ ખાતે જ્યારે શિક્ષકો સામે આવ્યા ત્યારે ગુસ્સે ભરાયેલા સંબંધીઓએ હોબાળો મચાવ્યો હતો અને શિક્ષકોને મારવા દોડ્યા હતા, જોકે પોલીસે સમયસૂચકતા વાપરી મામલો શાંત પાડ્યો હતો. પરિવારનો સવાલ છે કે ૧૨ શિક્ષકોની હાજરી હોવા છતાં સ્વિમિંગ પૂલ પાસે પૂરતું ધ્યાન કેમ ન રખાયું?
પોલીસ તપાસ અને પેનલ પીએમ
ઘટનાની જાણ થતા વિસાવદર એસીપી રોહિત ડાંગર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પિતાએ રિસોર્ટના સીસીટીવી ફૂટેજ તપાસવાની અને જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. બાળક સગીર હોવાથી મામલતદારની હાજરીમાં પેનલ પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરવામાં આવી છે. દુર્ઘટના બાદ સ્કૂલે પ્રવાસ ટૂંકાવી તમામ વિદ્યાર્થીઓને રાજકોટ પરત મોકલી દીધા છે. હાલ તાલાલા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
