વલસાડમાં શેરબજારના નામે 1.47 કરોડની છેતરપિંડી કરનારા આરોપીઓ ઝડપાયા

વલસાડ સાયબર ક્રાઈમ પોલીસે શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપી રૂ. 1.47 કરોડની છેતરપિંડી કરનાર બે ફરાર આરોપીઓને ઝડપી પાડ્યા. આરોપીઓએ નકલી ઇન્વેસ્ટમેન્ટ એપ અને કંપની બનાવી લોકોને છેતર્યા હતા, જેમને હવે કોર્ટે જેલ હવાલે કર્યા છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Thu, 17 Sep 2026 10:09 AM (IST)Updated: Thu, 17 Sep 2026 10:09 AM (IST)
valsad-cyber-police-busts-1-47-cr-share-market-investment-scam

Valsad News: વલસાડ જિલ્લાના ડિસામાં શેર બજારમાં રોકાણ પર ઊંચું વળતર આપવાની લાલચ આપીને નાગરિકો સાથે રુ. 1,47,75,000ની છેતરપિંડી આચરવામાં આવી છે. મોટા છેતરપિંડીના કેસમાં બે આરોપીઓ ફરાર થઈ ગયા હતા. જેને વલસાડ સાયબર ક્રાઈમ પોલીસે ઝડપી લીધા છે. પોલીસ રિમાન્ડ પૂરા થતાં કોર્ટે આરોપીઓને જેલ હવાલે કરવાનો આદેશ આપ્યો છે.

ઠગ ટોળકીએ 1.47 કરોડની છેતરપિંડી આચરી

મળતી માહિતી મુજબ, આરોપીઓએ લોકોને છેતરવા માટે ફેક ઈન્વેસ્ટમેન્ટ મોબાઈલ એપ અને નકલી કંપની બનાવી હતી. આરોપીઓ લોકોને એમ કહીને છેતરતા કે, મોબાઈલ એપ્લિકેશન વડે તેઓ શેરના વધતા ઘટતા ભાવ અંગે સૂચનો આપીને નફો કરાવશે. આમ કરીને ઠગ ટોળકીએ નાગરિકો પાસેથી 1.47 કરોડથી વધુની રકમ પોતાના અને સંબંધિતોના બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લીધી હતી. જ્યારે ફરિયાદીએ આરોપીઓ પાસેથી પોતાના પૈસા પાછા લેવાનો પ્રયાસ કર્યો. ત્યારે નફાની રકમ પર 15 ટકા કમિશનની માંગણી આરોપીઓએ કરી હતી.

પીડિતે આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી

આરોપીઓએ પીડિત પાસેથી 15 ટકા કમિશનની માંગ કરતાં તેમને છેતરપિંડી થયાની આશંકા ઉપજી હતી. આથી પીડિત વ્યક્તિએ તાત્કાલિક સાયબર ક્રાઈમ સ્ટેશનમાં FIR નોંધાવી હતી. પીડિતની ફરિયાદને આધારે પોલીસે તપાસ તેજ કરી હતી. ટેક્નિકલ અને હ્યુમન સોર્સિસની મદદ વડે પોલીસે મુખ્ય આરોપી નરેન્દ્ર માળીની ધરપકડ કરી લીધી હતી. જેમાં પોલીસે આકરી પૂછપરછ કરતાં વધુ બે આરોપીઓના નામ સામે આવ્યા હતા.

છેતરપિંડીના બે આરોપીઓ ઝડપાયા

સાયબર ક્રાઇમ સેલ પોલીસે વધુ ઝડપી સર્ચ ઓપરેશન કરીને રાજસ્થાન અને ડીસામાંથી બે મુખ્ય આરોપીઓ મેહુલ કછવા અને ભાર્ગવ સોલંકીને ઝડપી લીધા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આરોપી નરેન્દ્ર માળી લોકો સાથે ઠગાઈ કરીને પૈસા બીજા આરોપીઓને બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરતો હતો. હાલ પોલીસે આ કેસમાં 3 આરોપીઓની અટકાયત કરી છે. તેમજ હાલ પોલીસે એક આરોપીને રિમાન્ડ પર લીધો છે. આ કેસમાં પોલીસ વધુ તપાસ કરી રહી છે.