Western Railway Festival Special Trains: તહેવારોની મોસમ અને રજાઓમાં મુસાફરોની વધતી સંખ્યા તેમજ મુસાફરીની ભારે માંગને ધ્યાનમાં રાખીને રેલવે તંત્ર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા અંતરની મુસાફરી કરતા મુસાફરોને સુવિધા મળી રહે અને મુસાફરી સરળ બને તે હેતુથી એકતાનગરથી પાર્વતીપુરમ, એકતાનગરથી રાયપુર તથા પ્રતાપનગરથી સંત્રાગાછી વચ્ચે વિશેષ ભાડા સાથે ખાસ સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે. રેલવેના આ નિર્ણયથી ખાસ કરીને પૂર્વ અને મધ્ય ભારત તરફ જતા મુસાફરોને મોટી રાહત મળશે.
એકતાનગર અને પાર્વતીપુરમ વચ્ચે દોડશે સ્પેશિયલ ટ્રેન
એકતાનગર અને પાર્વતીપુરમ વચ્ચે દોડનારી સ્પેશિયલ ટ્રેનની વિગતો જોઈએ તો, એકતાનગર–પાર્વતીપુરમ સ્પેશિયલ ટ્રેન 1 નવેમ્બર, રવિવારે રાત્રે 11:30 વાગ્યે એકતાનગરથી ઉપડશે અને 3 નવેમ્બર, મંગળવારે સાંજે 5 વાગ્યે પાર્વતીપુરમ પહોંચશે. જ્યારે સામે પક્ષે પાર્વતીપુરમ–એકતાનગર સ્પેશિયલ ટ્રેન 28 ઓક્ટોબર, બુધવારે બપોરે 3 વાગ્યે પાર્વતીપુરમથી ઉપડશે અને 30 ઓક્ટોબર, શુક્રવારે સવારે 10 વાગ્યે એકતાનગર આવી પહોંચશે.
તેવી જ રીતે, પ્રતાપનગર–સંત્રાગાછી વચ્ચે પણ ખાસ સ્પેશિયલ ટ્રેન સંચાલિત કરવામાં આવશે. પ્રતાપનગર–સંત્રાગાછી સ્પેશિયલ ટ્રેન 2 નવેમ્બર, સોમવારે સવારે 7.35 વાગ્યે પ્રતાપનગરથી ઉપડશે અને બીજા દિવસે એટલે કે 3 નવેમ્બર, મંગળવારે સાંજે 6.20 વાગ્યે સંત્રાગાછી પહોંચશે. વળતી દિશામાં, સંત્રાગાછી–પ્રતાપનગર સ્પેશિયલ ટ્રેન 28 ઓક્ટોબર, બુધવારે રાત્રે 12.15 વાગ્યે સંત્રાગાછીથી રવાના થશે અને 29 ઓક્ટોબર, ગુરુવારે બપોરે 1.:15 વાગ્યે પ્રતાપનગર પહોંચશે.
એકતાનગર અને રાયપુર વચ્ચેની મુસાફરી માટે પણ વિશેષ વ્યવસ્થા
આ ઉપરાંત, એકતાનગર અને રાયપુર વચ્ચેની મુસાફરી માટે પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. એકતાનગર–રાયપુર સ્પેશિયલ ટ્રેન 1 નવેમ્બર, રવિવારે બપોરે 12.30 વાગ્યે એકતાનગરથી ઉપડશે અને બીજા દિવસે સોમવારે બપોરે 1 વાગ્યે રાયપુર પહોંચશે. જ્યારે રાયપુર–એકતાનગર સ્પેશિયલ ટ્રેન 28 ઓક્ટોબર, બુધવારે રાત્રે 11 વાગ્યે રાયપુરથી રવાના થઈને બીજા દિવસે ગુરુવારે રાત્રે 11.50 વાગ્યે એકતાનગર પહોંચશે.
રેલવે તંત્ર દ્વારા મુસાફરોને આ સ્પેશિયલ ટ્રેનોની સુવિધાનો લાભ લેવા અને સમયસર પોતાનું બુકિંગ કરાવી લેવા માટે ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે. આ ટ્રેનો શરૂ થવાથી તહેવારોના સમયે ટ્રેનોમાં જોવા મળતા ભારે રસ અને વેટિંગ લિસ્ટથી મુસાફરોને મોટી રાહત મળશે.
