વડોદરા: વાઘોડિયાના ગુતાલ ગામે ક્લોરીન ગેસ લીકની ઘટના, સદનસીબે જાનહાની ટળી; ગ્રામજનોએ મચાવ્યો હોબાળો

વહીવટી તંત્રએ સમયસૂચકતા અને ઝડપી કામગીરીથી લીકેજ બંધ કર્યું, જેથી કોઈ જાનહાનિ થઈ નહોતી.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Thu, 17 Sep 2026 11:32 AM (IST)Updated: Thu, 17 Sep 2026 11:32 AM (IST)
waghodia-gutal-village-water-supply-plant-chlorine-gas-leak-villagers-protest-vadodara
AI Generated Image

Gutal Village Chlorine Gas Leak: વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના ગુતાલ ગામે આવેલા વાઘોડિયા સુધારણા જૂથ પાણી પુરવઠા યોજના પેકેજ-4 પ્લાન્ટમાં અચાનક ક્લોરીન ગેસ લીકેજ થવાની ઘટના બની છે. આ દુર્ઘટનાને કારણે સમગ્ર ગામમાં અને આસપાસના વિસ્તારમાં ભય તથા ચિંતાનો માહોલ ફેલાઈ ગયો હતો. જોકે, તંત્રની સમયસૂચકતા અને ઝડપી કામગીરીના કારણે કોઈ મોટી હોનારત કે જાનહાનિ થવા પામી નહોતી.

મળતી માહિતી મુજબ, ગુતાલ ગામ ખાતે આવેલ આ પાણી પુરવઠા પ્લાન્ટનું સંચાલન નિયત એજન્સી દ્વારા કરવામાં આવે છે. બપોરના સમયે પ્લાન્ટમાં રૂટિન મેઈન્ટેનન્સ અંતર્ગત ક્લોરીનગેસનો સિલિન્ડર બદલવાની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન અચાનક સિલિન્ડરની પિન નીકળી ગઈ, જેના પરિણામે સિલિન્ડરમાંથી તીવ્ર ક્લોરીન ગેસ બહાર નીકળવા લાગ્યો હતો. ગેસ લીક થતા જ પ્લાન્ટ પરિસર અને આસપાસના વિસ્તારમાં તીવ્ર દુર્ગંધ ફેલાઈ ગઈ, જેથી લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી.

આ ઘટના અંગે પાણી પુરવઠા વિભાગના એન્જિનિયરે જણાવ્યું કે, ગેસ લીકેજની જાણ થતા જ પ્લાન્ટના ટેકનિકલ સ્ટાફે તાત્કાલિક સુરક્ષા કીટ ધારણ કરી પરિસ્થિતિ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. વહીવટી તંત્રના સ્ટાફની ત્વરિત કામગીરીને કારણે ગેસ ગળતરને તાત્કાલિક નિયંત્રણમાં લઈ લેવાયું હતું, જેનાથી કોઈ શારીરિક નુકસાન કે જાનહાનિ થઈ નહોતી.

જોકે, ક્લોરીન ગેસ લીકેજના સમાચાર વાયુવેગે ગામમાં પ્રસરતા જ મોડી રાત્રે ગ્રામજનો મોટી સંખ્યામાં પ્લાન્ટ ખાતે એકઠા થઈ ગયા હતા. ગ્રામજનોએ ઘટના અંગે અને પીવાના પાણીની ગુણવત્તાને લઈ તંત્ર તથા એજન્સી સામે ભારે આક્રોશ વ્યક્ત કરીને હોબાળો મચાવ્યો હતો. ગ્રામજનોનો આક્ષેપ છે કે, પ્લાન્ટની જાળવણીમાં બેદરકારી રાખવામાં આવી રહી છે, જે ભવિષ્યમાં મોટા અકસ્માતનું કારણ બની શકે છે.

ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ ઉચ્ચ અધિકારીઓનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. અધિકારીઓએ આક્રોશિત ગ્રામજનો સાથે મધ્યસ્થી કરી, તેમની બાંહેધરી આપી મામલો થાળે પાડ્યો હતો. હાલ પાણી પુરવઠા વિભાગ દ્વારા સમગ્ર મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા અને એજન્સીની કોઈ બેદરકારી છે કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.