Vadodara-Ahmedabad Expressway: વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર ફરી એકવાર સુરક્ષા નિયમોનો ભંગ સામે આવ્યો છે. આણંદ અને નડિયાદ વચ્ચેના ભાગમાં એક ટુ વ્હીલર ચાલક બાઈક ચલાવતો જોવા મળ્યો હતો. હાઇવે પર ફરતા અન્ય વાહનચાલકોએ આ દ્રશ્ય જોયું અને કાર ચાલકે તેનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો. વીડિયો વાયરલ થતાં જ હાઇવે ઓથોરીટી અને ટ્રાફિક વિભાગ ચકચારમાં આવી ગયા છે.
બાઇક ચાલકનો વીડિયો થયો વાયરલ
વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ટુ વ્હીલર ચાલક નિર્વિઘ્ન રીતે એક્સપ્રેસ-વે પર બાઈક દોડાવી રહ્યો છે, જ્યારે તે માર્ગ માત્ર ચાર અને વધુ ચક્રીવાળા વાહનો માટે અનામત છે. નિયમો અનુસાર, એક્સપ્રેસ હાઇવે પર ટુ વ્હીલર, ત્રિચક્રી વાહનો, ટ્રેક્ટર અને પદયાત્રીના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ છે. છતાં પણ ટુ વ્હીલર ચાલક કેવી રીતે પ્રવેશ્યો તે મોટો સવાલ ઉભો થયો છે.
આ પણ વાંચો
કાર ચાલકે વીડિયો કર્યો વાયરલ
હાઇવે પર હાઇ સ્પીડે દોડતાં વાહનો વચ્ચે બાઈક ચાલકનું આવું જોખમી વર્તન ન માત્ર પોતાની જિંદગી માટે ખતરો છે પરંતુ અન્ય વાહનચાલકો માટે પણ ગંભીર જોખમ ઊભું કરે છે. નિષ્ણાતોના કહેવા મુજબ, એક્સપ્રેસ-વે પર ટુ વ્હીલર પ્રવેશવાનો અર્થ છે સડક સુરક્ષા નિયમોનો ભંગ અને સંભવિત અકસ્માતને આમંત્રણ.
હાઇવે ઓથોરિટી પર સવાલો ઉઠ્યા
હાઇવે ઓથોરિટી દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. પ્રવેશદ્વાર પર તૈનાત સુરક્ષા કર્મચારીઓની બેદરકારી કે અન્ય કોઈ ખામીના કારણે આ ઘટના બની, તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. હવે જોવાનું રહ્યું કે વાયરલ વીડિયોમાં દેખાતા ટુ વ્હીલર ચાલક સામે કઈ કાર્યવાહી થાય છે અને સુરક્ષાને લઈને હાઇવે તંત્ર કયા સુધારા લાવે છે.
