પ્રશાંત ગજ્જર, વડોદરા: વડોદરા મહાનગરપાલિકા (VMC) દ્વારા શહેરીજનોની સુવિધામાં અભિવૃદ્ધિ કરવા અને વહીવટી તંત્રને વધુ ગતિશીલ તેમજ પારદર્શક બનાવવા માટે ટૂંક સમયમાં જ બે મહત્વપૂર્ણ ડિજિટલ સેવાઓ શરૂ કરવાનું આયોજન હાથ ધરાયું છે. સ્માર્ટ સિટી મિશન અંતર્ગત નવા નિમાયેલા ડાયરેક્ટર્સના સ્વાગત અને બ્રીફિંગ માટે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠક બાદ આ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.
હાલમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળના મોટાભાગના કેપેક્સ (મૂડી ખર્ચ) પ્રોજેક્ટ્સ પૂર્ણ થઈ ચૂક્યા છે અને તેનું મેન્ટેનન્સ કાર્ય ચાલી રહ્યું છે. ત્યારે હવે પાલિકા તંત્ર સીધા નાગરિકો સાથે જોડાયેલી સેવાઓને વધુ ડિજિટલ અને સુલભ બનાવવા તરફ આગળ વધી રહ્યું છે.
ઘરબેઠા મોબાઈલ પર 42 ઓનલાઈન સેવાઓ
હાલમાં વડોદરાના નાગરિકોને વિવિધ વહીવટી કામો, દાખલાઓ કે ફરિયાદો માટે વોર્ડ ઓફિસ અથવા કોર્પોરેશનની મુખ્ય કચેરી સુધી ધક્કા ખાવા પડે છે. જો કે, પાલિકા દ્વારા અત્યારે પણ આશરે ૪૨ જેટલી ઓનલાઈન સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે, પરંતુ ટોલ-ફ્રી નંબર કે ફરિયાદ નિવારણ પ્રક્રિયામાં નાગરિકોના સંતોષનું સ્તર ધાર્યા મુજબનું ન હોવાથી તંત્ર હવે સીધી “વોટ્સએપ ચેટબોટ” સેવા શરૂ કરવા જઈ રહ્યું છે. આ નવીન પ્રકલ્પ માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સીધું જ વૈશ્વિક ટેક જાયન્ટ 'મેટા' (Meta) કંપની સાથે જોડાણ કરવાની પ્રક્રિયા હાથ ધરશે. જેનાથી સામાન્ય નાગરિક ઘરબેઠા જ પોતાના મોબાઈલના એક ક્લીક પર ટેકનિકલ અને નાગરિક સેવાઓનો લાભ મેળવી શકશે.
રૂ. 300 કરોડની ટેક્સ વસૂલાત માટે GIS ટેક્નોલોજીનો ઉપયોગ
આ ઉપરાંત, કોર્પોરેશનની આવક વધારવા અને લાંબા સમયથી બાકી રહેલા આશરે રૂ. 300 કરોડના પ્રોપર્ટી ટેક્સની વસૂલાત ઝડપી બનાવવા માટે જીઆઈએસ (GIS - Geographic Information System) બેઝ્ડ પ્રોપર્ટી ટેક્સ સિસ્ટમ અમલમાં મૂકવામાં આવશે. આ અત્યાધુનિક ટેક્નોલોજીની મદદથી જે પણ મિલકતધારકોનો ટેક્સ બાકી હશે. તેમને સીધા ઓટોમેટેડ મેસેજ એલર્ટ મોકલવામાં આવશે. આ સિસ્ટમથી કોર્પોરેશનના આઈટી (IT) તેમજ આકારણી વિભાગ વચ્ચે સીધું સંકલન સધાશે.
ભવિષ્યનું આયોજન અને આર્થિક પાસું
પાલિકાના જણાવ્યા અનુસાર, ભવિષ્યમાં આ GIS સિસ્ટમનો વ્યાપ વધારીને તેનો ઉપયોગ શહેરમાં રોડ રસ્તા, ડ્રેનેજ અને પાણીની લાઈનોના માળખાકીય આયોજન માટે પણ કરવામાં આવશે. જેનાથી વિકાસકામોનું ડુપ્લિકેશન અટકાવી શકાશે, ડબલ બિલિંગની સમસ્યા નિવારી શકાશે અને કામની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો લાવી શકાશે. જોકે, આ નવીન ડિજિટલ પ્રોજેક્ટ્સ માટેનું ફંડિંગ VMC પોતાના સ્વભંડોળમાંથી કરશે કે અન્ય કોઈ સોર્સમાંથી મેળવશે. તે અંગેનો અંતિમ નિર્ણય લેવાનો હજુ બાકી છે. ઓવરઓલ આ હાઈટેક આયોજનથી વડોદરાવાસીઓને સાચા અર્થમાં ‘સ્માર્ટ ગવર્નન્સ’નો સીધો લાભ મળશે.
