વડોદરાના માંડવી વિસ્તારમાં સોની પરિવારનો સામુહિક આપઘાતઃ નરસિંહજીની પોળમાં માતાએ પુત્ર-પુત્રી સાથે ગળે ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી

વડોદરાના માંડવી વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના બની છે, જ્યાં આરતી સોનીએ પોતાના પુત્ર અને પુત્રી સાથે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું. પોલીસ આ સામૂહિક આપઘાત પાછળના કારણો, જેમ કે આર્થિક સંકટ કે કૌટુંબિક વિવાદ, અંગે સઘન તપાસ કરી રહી છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 28 Oct 2026 07:23 PM (IST)Updated: Wed, 28 Oct 2026 07:23 PM (IST)
vadodara-soni-family-tragedy-mother-and-two-children-commit-suicide-in-mandvi

Vadodara: વડોદરા શહેરના માંડવી વિસ્તારમાં સામુહિક આપઘાતની ઘટના સામે આવી છે. જેમાં મહિલાએ પોતાના પુત્ર અને પુત્રી સાથે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને જિંદગી ટૂંકાવી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, વડોદરાના માંડવી વિસ્તારમાં આવેલી દલા પટેલની પોળમાં રહેતા આરતી સોની (50)એ પોતાના પુત્ર નીલકંઠ અને પુત્રી જેની સાથે આજે પોતાના ઘરમાં અગમ્યો કારણોસર ગળે ફાંસો ખાઈ લીધો હતો. એક જ ઘરમાંથી માતા અને બે સંતાનોના મૃતદેહ મળી આવતાં લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા.

આ બનાવની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓની ટીમ તાત્કાલિક સ્થળ પર આવી પહોંચી હતી. હાલ તો પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે મોકલવા તજવીજ હાથ ધરી છે. આ સાથે જ સમગ્ર પરિસરને સીલ કરીને જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

સોની પરિવારે કયા કારણોસર આટલું અંતિમ અને અતિ ગંભીર પગલું ભર્યું તે અંગેનું રહસ્ય હજી સુધી અકબંધ છે. સ્થળ પરથી કોઈ સુસાઈડ નોટ મળી છે કે કેમ તે અંગે પણ પોલીસે હાલ મૌન સેવ્યું છે. પરિવારમાં છેલ્લા કેટલાક સમયથી કોઈ આર્થિક સંકટ, કૌટુંબિક વિવાદ કે માનસિક તણાવ હતો કે કેમ તે તમામ દિશામાં પોલીસે ઊંડાણપૂર્વકની સઘન તપાસ શરૂ કરી છે.

પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, આસપાસના પડોશીઓ તથા નજીકના સગા-સંબંધીઓની પૂછપરછ કરી પ્રાથમિક વિગતો મેળવવામાં આવી રહી છે. આપઘાત પાછળનું સાચું કારણ જાણવા માટે પોલીસે એફએસએલ ટીમની મદદ લઈ ટેકનિકલ અને વૈજ્ઞાનિક ઢબે વધુ તપાસ આગળ ધપાવી છે.