વડોદરા SOGનો મોટો સપાટો! યાકુતપુરામાંથી 1.5 કિલો ચરસ ઝડપાયું, એક મહિલા પકડાઈ અને બીજી ફરાર

વડોદરા SOGએ યાકુતપુરાની મીનારા મસ્જિદની ચાલીમાંથી 1.512 કિલો ચરસ જપ્ત કરી એક મહિલાની અટકાયત કરી છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 25 Oct 2026 02:50 PM (IST)Updated: Sun, 25 Oct 2026 02:50 PM (IST)
vadodara-sog-charas-seizure-woman-arrested-yakutpura-operation-crackdown

Vadodara SOG Drug Raid: વડોદરા શહેરમાં આગામી દિવસોમાં શરૂ થનારા તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તથા નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા માટે પોલીસ દ્વારા સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. વડોદરા શહેર એસ.ઓ.જી. દ્વારા "ઓપરેશન ક્રેક ડાઉન" અંતર્ગત મોટી કાર્યવાહી કરવામાં આવી છે. યાકુતપુરા વિસ્તારની મીનારા મસ્જીદની ચાલીમાં આવેલ એક મકાનમાંથી 1 કિલો 512 ગ્રામ ચરસના જથ્થા સાથે એક મહિલા આરોપીને ઝડપી પાડવામાં આવી છે, જ્યારે આ કેસમાં સંડોવાયેલી અન્ય એક મહિલા ફરાર થઈ ગઈ છે.

ચરસના જથ્થા સાથે મહિલા ઝડપાઈ

પોલીસના જણાવ્યા અનુસાર, એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેકટર ડી.જે. ચુડાસમાના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવીને નાર્કોટિક્સની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા શંકાસ્પદ ઈસમો પર વોચ રાખવામાં આવી રહી છે. દરમિયાન પેટ્રોલીંગમાં રહેલી એસ.ઓ.જી. ટીમને બાતમી મળી હતી કે, અસ્ફાક ઉર્ફે બાબા શેખની પત્ની નાહીદાબાનુ ઉર્ફે લાલી ચરસના વેચાણનો ધંધો કરે છે અને તેણે ચરસનો આ જથ્થો યાકુતપુરા મીનારા મસ્જીદ પાસે રહેતી તેની બહેનપણી નૌરીનબાનુના ઘરે સંતાડીને રાખ્યો છે.

ઘરની તલાશી લેતાં ચરસ મળી આવ્યું

આ ચોક્કસ બાતમીના આધારે પોલીસે યાકુતપુરા સરસીયા તળાવ રોડ પર આવેલા અડાણીયા પુલ પાસેની મીનારા મસ્જીદની ચાલીના મકાન નંબર 282 પર એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ રેડ કરી હતી. સ્થળ પર નૌરીનબાનુ પઠાણ હાજર મળી આવી હતી. પોલીસ દ્વારા મકાનની તલાશી લેતા પ્રથમ માળે બેઠકરૂમમાં આવેલી લોખંડની તિજોરીમાંથી સફેદ પ્લાસ્ટિકની થેલીમાં ભુરા રંગની સેલોટેપ વીંટાડેલા 3 પેકેટ મળી આવ્યા હતા.

FSL રિપોર્ટમાં ચરસ હોવાનું સ્પષ્ટ થયું

ઘટનાસ્થળે એફ.એસ.એલ.ની ટીમને બોલાવી શંકાસ્પદ પદાર્થનું પ્રાથમિક પરીક્ષણ કરાવવામાં આવતા તે ચરસ હોવાનું સ્પષ્ટ થયું હતું. જપ્ત કરાયેલા ચરસનું નેટ વજન 1 કિલો 512 ગ્રામ થયું હતું, જેની બજાર કિંમત રૂ. 3,78,00 આંકવામાં આવી છે.

પોલીસ પૂછપરછમાં મહિલાએ કબૂલાત કરી

પોલીસ પૂછપરછ દરમિયાન પકડાયેલી આરોપી નૌરીનબાનુએ ખુલાસો કર્યો હતો કે, આ ચરસનો જથ્થો તેની બહેનપણી નાહીદાબાનુ ઉર્ફે લાલી પઠાણે ગત 23 ઓક્ટોબરના રોજ રાત્રે ટેલિફોનિક સંપર્ક કરી તેના ઘરે મૂકવા માટે આપ્યો હતો, જેને તેણે તિજોરીમાં સંતાડ્યો હતો.

પોલીસે મહિલાની અટકાયત કરી

પોલીસે સ્થળ પરથી હાજર નૌરીનબાનુ પઠાણની અટકાયત કરી છે અને ચરસ તથા અન્ય મુદ્દામાલ મળીને કુલ રૂ. 6,04,000/- ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસમાં પકડાયેલી નૌરીનબાનુ અને ફરાર થયેલી નાહીદાબાનુ ઉર્ફે લાલી પઠાણ વિરુદ્ધ સિટી પોલીસ સ્ટેશન ખાતે એન.ડી.પી.એસ. એક્ટ 1985 ની કલમ 8(c), 20(b)(ii)(C) અને 29 મુજબ ગુનો નોંધીને કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વડોદરા પોલીસની આ કડક કાર્યવાહીથી નશાના વેપારીઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.