Vadodara: રૂપિયા 1.75 કરોડના દારૂના કેસમાં SMCના સસ્પેન્ડેડ હેડ કોન્સ્ટેબલ વિરુદ્ધ તપાસ માટે SITની રચના, મની લોન્ડરિંગ એક્ટ મુજબ કાર્યવાહી થશે

1.75 કરોડના દારૂ કેસમાં SMCના હેડ કોન્સ્ટેબલ સાજણ વસારા વિરુદ્ધ તપાસ માટે DySP ના સુપરવિઝનમાં એક વિશેષ તપાસ સમિતિ (SIT) ની રચના કરવામાં આવી છે.

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Mon, 28 Jul 2025 09:56 AM (IST)Updated: Mon, 28 Jul 2025 09:56 AM (IST)
vadodara-sit-to-probe-suspended-smc-head-constable-in-rs-1-75-crore-liquor-case-under-money-laundering-act-rules
HIGHLIGHTS
  • રૂપિયા 1.75 કરોડનો દારૂનો જથ્થો LCB દ્વારા એક LPG ટેન્કરમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો.
  • કરજણમાં નોંધાયેલા પ્રોહિબિશન ગુનામાં સાજણને આરોપી બનાવીને ગઈકાલે ધરપકડ કરવામાં આવી હતી.

Vadodara News: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર થોડા દિવસો પહેલા પકડાયેલા રૂપિયા 1.75 કરોડના દારૂ કેસમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ના હેડ કોન્સ્ટેબલ સાજણ વસારા વિરુદ્ધ તપાસ માટે DySP ના સુપરવિઝનમાં એક વિશેષ તપાસ સમિતિ (SIT) ની રચના કરવામાં આવી છે. આ ઉપરાંત, આ કેસમાં સંડોવાયેલા આરોપીઓની સંપત્તિની તપાસ કરીને મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

ગત તારીખ 20મી જુલાઈએ કરજણની હદમાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ભરૂચથી સુરેન્દ્રનગર તરફ લઈ જવાતો રૂપિયા 1.75 કરોડનો દારૂનો જથ્થો LCB દ્વારા એક LPG ટેન્કરમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો. આ પ્રકરણમાં રાજસ્થાનના દારૂ સપ્લાયર અનિલ ઉર્ફે પાંડ્યા જગદીશપ્રસાદ જાટ સાથે SMCના હેડ કોન્સ્ટેબલ સાજણ વસારા (રહે. જામનગર રોડ, જામ ખંભાળિયા) ના સંપર્કમાં હોવાનું સામે આવ્યું હતું. આ ઘટસ્ફોટ બાદ કરજણમાં નોંધાયેલા પ્રોહિબિશન ગુનામાં સાજણને આરોપી બનાવીને ગઈકાલે ધરપકડ કરવામાં આવી હતી.

હાલમાં સાજણ 30મી જુલાઈ સુધી પોલીસ રિમાન્ડ પર છે. આ ગુનાની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે ડભોઈ ડિવિઝનના DySP આકાશ પટેલના સુપરવિઝન હેઠળ SIT ની રચના કરવામાં આવી છે. આ SIT માં ગુનાના તપાસ અધિકારી PSI એમ.એસ. જાડેજા, PSI વી.એચ. મદાત અને PSI એલ.એચ. ગોહિલ, સાથે બે રાઈટર સસ્પેન્ડેડ હેડ કોન્સ્ટેબલ સાજણ વસારા વિરુદ્ધ તપાસ કરશે.

આ કેસમાં રાજસ્થાનના સપ્લાયર અનિલ, સસ્પેન્ડેડ હેડ કોન્સ્ટેબલ સાજણ, અને અન્ય સંડોવાયેલા આરોપીઓની મિલકતોની તપાસ કરવામાં આવશે. દારૂના જથ્થાના નાણાકીય વ્યવહારોના પુરાવા એકત્ર કરવામાં આવશે અને તમામ આરોપીઓ વિરુદ્ધ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવાનો પણ રિપોર્ટ કરવામાં આવશે. વધુમાં, SMC દ્વારા પણ સાજણ સામે આંતરિક તપાસ ચલાવવામાં આવી રહી છે.