Vadodara News: વડોદરા શહેરમાં વહીવટી તંત્રની બેદરકારીના કારણે એક અકસ્માત સર્જાયો છે. ચોમાસાની ઋતુ પૂર્ણ થયા બાદ અને વગર વરસાદે શહેરના એક અત્યંત વ્યસ્ત ગણાતા માર્ગ પર મોટો ભુવો પડવાની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં રેતી ભરેલું એક ભારેખમ ડમ્પર ભુવામાં ખાબક્યું હતું. જોકે, સદનસીબે ત્યાં નજીકમાં ઉભેલા બે યુવકોનો બચાવ થતા મોટી હોનારત ટળી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરા શહેરના આયુર્વેદિક ત્રણ રસ્તા નજીક આવેલા મુખ્ય માર્ગ પર અચાનક જ જમીન પોચી પડી ગઈ અને મોટો ભુવો પડ્યો હતો. આ ભુવો એટલો મોટો અને ઊંડો હતો કે ત્યાંથી પસાર થતું રેતીથી ભરેલું ડમ્પર તેમાં ખાબક્યું હતું. વજનદાર ડમ્પરના કારણે રસ્તાની નીચેની નબળી ડ્રેનેજ કે પાણીની લાઈનો ખુલ્લી પડી ગઈ અને ડમ્પર ભુવામાં ખાબકવાની સાથે જ પલટી મારી ગયું હતું.
ડમ્પર જે જગ્યાએ પડ્યું તેની બરાબર સાઈડ પર જ બે યુવાનો ઊભા હતા. સદનસીબે, ડમ્પર ખાબકવાની સાથે જ ક્ષણના આઠમા ભાગમાં આ યુવકો સમયસૂચકતા વાપરીને બાજુમાં ખસી ગયા, જેના કારણે તેમનો જીવ બચી ગયો હતો. જો આ યુવકો થોડા સેકન્ડ મોડા પડ્યા હોત તો મોટો માનવ ભોગ લેવાઈ ગયો હોત તેવી સ્થાનિક લોકોમાં ચર્ચા થઈ રહી છે.
આ ભુવો પડ્યો તે માર્ગ શહેરના વ્યસ્ત અને મહત્વના રસ્તાઓ પૈકી એક ગણાય છે. દરરોજના હજારોની સંખ્યામાં નાના-મોટા વાહનો, સ્કૂલ બસો અને રાહદારીઓ આ રોડ પરથી અવિરત પસાર થતા હોય છે. સદનસીબે આ ઘટના ટ્રાફિકના ભારે ધસારાના સમયે ન બનતા મોટી દુર્ઘટના ટળી હતી, નહીં તો અનેક વાહનચાલકો તેનો ભોગ બની શક્યા હોત.
ડમ્પર ભુવામાં ખાબકીને પલટી મારતાની સાથે જ આસપાસના સ્થાનિક રહીશો અને દુકાનદારો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ ભારે જહેમત ઉઠાવીને ડમ્પરના ચાલકને હેમખેમ બહાર કાઢ્યો હતો. ચાલકને સામાન્ય ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.
આ બનાવને પગલે સ્થાનિક રહીશો અને વેપારીઓમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સામે ભારે રોષ ફેલાયો છે. લોકોમાં આક્રોશ છે કે સામાન્ય દિવસોમાં પણ જો શહેરમાં આવા મોટા ભુવા પડતા હોય, તો તંત્રની પ્રી-મોનસૂન કામગીરી કે સામાન્ય જાળવણી સામે ગંભીર સવાલો ઉભા થાય છે. વડોદરામાં વહીવટી તંત્ર અગાઉથી જ સતર્ક બને અને ભૂગર્ભ ગટર કે પાણીની લાઈનોની કામગીરી મજબૂત બને તેવી પ્રબળ લોકમાંગ ઉઠી છે.
