દિવાળી પૂર્વે વડોદરા ગ્રામ્યમાં ફૂડ વિભાગના દરોડા, 58 કિલો અખાદ્ય જથ્થાનો કરાયો નાશ

વડોદરા ગ્રામ્યમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રની વિશેષ ઝુંબેશ. દિવાળી પૂર્વે 63 ખાદ્યપદાર્થોના સેમ્પલ લેવાયા, 176 ખાદ્યચીજોનું ઓન-સ્પોટ ચેકિંગ અને 58 કિલો અખાદ્ય જથ્થાનો કરાયો નાશ.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Tue, 03 Nov 2026 10:09 AM (IST)Updated: Tue, 03 Nov 2026 10:09 AM (IST)
vadodara-rural-food-safety-drive-diwali-food-inspection-63-samples-collected-58-kg-spoiled-food-destroyed

Vadodara Food Safety Drive: દિવાળીના તહેવારો દરમિયાન નાગરિકોને શુદ્ધ, ગુણવત્તાયુક્ત અને આરોગ્યપ્રદ ખાદ્યસામગ્રી મળી રહે તેમજ ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અને અસ્વચ્છતાને અટકાવી શકાય, તે હેતુથી વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ વિશેષ અભિયાન અંતર્ગત તંત્ર દ્વારા સઘન ફૂડ સેફ્ટી કામગીરી કરીને બજારમાંથી વિવિધ ખાદ્યપદાર્થોના કુલ 63 નમૂનાઓ એકત્રિત કરવામાં આવ્યા હતા.

ખાદ્ય વિભાગ દ્વારા નમૂના લેવાયા

આ લેવાયેલા નમૂનાઓમાં દૂધ અને તેની બનાવટોના 3, ઘીના 4, માવા અને મીઠાઈના 19, નમકીનના 21, તેલનો 1 તેમજ તૈયાર ખોરાક અને અન્ય ખાદ્યપદાર્થોના 15 નમૂનાઓનો સમાવેશ થાય છે. જિલ્લાના વિવિધ તાલુકાઓમાં હાથ ધરેલી આ ચકાસણી દરમિયાન કરજણમાંથી 5, પાદરામાંથી 9, વડોદરા ગ્રામ્યમાંથી 23, વાઘોડિયામાંથી 9, ડભોઈમાંથી 5, શિનોરથી 7 અને સાવલીમાંથી 5 નમૂનાઓ લેવામાં આવ્યા હતા.

ઝુંબેશ દરમિયાન 176 ખાદ્યચીજોનું પરીક્ષણ

નમૂનાઓ લેવાની સાથે જ ફૂડ સેફ્ટી વાનના માધ્યમથી ગ્રામ્ય વિસ્તારોમાં ખાદ્યપદાર્થોનું સ્થળ પર જ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ ઝુંબેશ દરમિયાન અંદાજે 176 જેટલી ખાદ્યચીજોનું ઓન-સ્પોટ પરીક્ષણ કરાયું હતું અને 90 જેટલી વિવિધ વેપારી પેઢીઓની સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.

58 કિગ્રા અખાદ્ય જથ્થાનો નાશ

તપાસ દરમિયાન વેચાણ સ્થળો પર અસ્વચ્છ પરિસ્થિતિમાં રાખવામાં આવેલી અથવા માનવ વપરાશ માટે સંપૂર્ણ અયોગ્ય જણાયેલી વિવિધ ખાદ્યચીજો મળી આવી હતી. જેમાં પાણીપુરીનો રગડો, વપરાયેલું તેલ, લાલ સોસ, અજિનો મોટો, ગોળ, ચણાની દાળ, ચોખા, લીલી ચટણી, પાલક પત્તા ચાટ અને બ્રેડ સેન્ડવિચ જેવી સામગ્રીનો સમાવેશ થાય છે. આશરે 58 કિલોગ્રામ જેટલો આ અખાદ્ય જથ્થો તંત્ર દ્વારા સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.

પેઢીઓને 'ઈમ્પ્રુવમેન્ટ નોટિસ' ફટકારાઈ

આ ઉપરાંત, ઉત્પાદન અને વેચાણ કરતી પેઢીઓમાં સંગ્રહ તથા પ્રક્રિયા દરમિયાન સ્વચ્છતા અને ફૂડ સેફ્ટી હાઈજીનના નિયમોનું યોગ્ય પાલન થાય છે કે નહીં તેની પણ વિશેષ ચકાસણી કરવામાં આવી હતી. નિયમોનો ભંગ કરતી અથવા બેદરકારી દાખવતી પેઢીઓને તંત્ર દ્વારા નિયમ અનુસાર 'ઈમ્પ્રુવમેન્ટ નોટિસ' આપવામાં આવી રહી છે. તહેવારોની મોસમમાં સામાન્ય જનતાના સ્વાસ્થ્ય સાથે કોઈ ચેડા ન થાય અને ઉત્સવોનો આનંદ સુરક્ષિત રીતે માણી શકાય તે માટે વડોદરા ગ્રામ્ય ખોરાક વિભાગ દ્વારા આ કામગીરી સંપૂર્ણ નિષ્ઠા અને સતર્કતાથી પાર પાડવામાં આવી છે.