Vadodara Run for Unity 2026: લોખંડી પુરુષ અને ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશ સાથે વડોદરા શહેર પણ દેશભક્તિ અને રાષ્ટ્રભાવનાના રંગે રંગાયું હતું. સંસ્કારી નગરીના ઐતિહાસિક નવલખી ગ્રાઉન્ડ ખાતે ‘રાષ્ટ્રીય એકતા દિવસ-2026’ અને ‘રન ફોર યુનિટી’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
સીએમ ભૂપેન્દ્ર પટેલની ખાસ ઉપસ્થિતિ
કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નવલખી ગ્રાઉન્ડ ખાતે આવી પહોંચેલા મુખ્યમંત્રીનું વડોદરા પોલીસ બેન્ડની સુરાવલીઓ સાથે ગાર્ડ ઓફ ઓનર આપીને શાનદાર સ્વાગત કરાયું હતું. ત્યારબાદ મુખ્યમંત્રીએ સરદાર સાહેબની પ્રતિમાને ભાવપૂર્વક પુષ્પાંજલિ અર્પણ કરી તેમના અમર યોગદાનને યાદ કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત સૌ નાગરિકોએ એકસૂરે રાષ્ટ્રગાન ગાયું હતું.
સીએમ રન ફોર યુનિટીનું પ્રસ્થાન કરાવ્યું
વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે ઉપસ્થિત તમામ મહાનુભાવો, અધિકારીઓ અને યુવાનોને દેશની અખંડિતતા અને સુરક્ષા જાળવી રાખવાના રાષ્ટ્રીય એકતાના શપથ લેવડાવ્યા હતા. પુષ્પાંજલિ અને શપથવિધિ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીલી ઝંડી બતાવીને ‘રન ફોર યુનિટી’નું પ્રસ્થાન કરાવ્યું હતું. આ આયોજનની મુખ્ય વિશેષતા એ રહી કે ફ્લેગ ઓફ કરાવ્યા બાદ મુખ્યમંત્રી પોતે પણ અત્યંત ઉત્સાહપૂર્વક નાગરિકો અને યુવાનો સાથે દોડમાં જોડાયા હતા.
રન ફોર યુનિટી દોડમાં યુવાનોએ લીધો ભાગ
રાજ્યના મુખીને પોતાની વચ્ચે દોડતા જોઈ ભાગ લેનારાઓમાં અનેરો જોશ અને નવી ઊર્જા જોવા મળી હતી. ‘એક ભારત-શ્રેષ્ઠ ભારત’ની થીમ પર આધારિત આ દોડ માત્ર એકતા પૂરતી સીમિત ન રહેતા સામાજિક જાગૃતિનું નિમિત્ત પણ બની હતી. દોડમાં મોટી સંખ્યામાં જોડાયેલા યુવાનોના હાથમાં ‘Say No To Drugs, Say Yes To Life’ લખેલા પ્લે કાર્ડ્સ હતા. આ દ્વારા યુવાધને નશાની બદીથી દૂર રહીને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાનો મજબૂત સંદેશ આપ્યો હતો.
સમારોહમાં પદાધિકારીઓ અને નગરજનો ઉપસ્થિત
આ ગૌરવવંતા સમારોહમાં ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ, વડોદરાના મેયર ગીતાબેન મકવાણા, સ્થાનિક ધારાસભ્યો, કલેક્ટર અનિલ ધામેલિયા સહિત જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
