વડોદરાના રણોલીમાં કેમિકલની તીવ્ર દુર્ગંધથી ત્રસ્ત ગ્રામજનોનો વિરોધ: બાળકોની તબિયત લથડતાં લોકો રસ્તા પર ઉતર્યા

વડોદરાના રણોલી ગામની સત્યનારાયણ સોસાયટીમાં પાંચ દિવસથી કેમિકલ જેવી તીવ્ર દુર્ગંધથી લોકો પરેશાન છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 25 Oct 2026 01:01 PM (IST)Updated: Sun, 25 Oct 2026 01:01 PM (IST)
vadodara-ranoli-chemical-smell-residents-protest-children-health-issues

Vadodara News: વડોદરા નજીક આવેલા રણોલી ગામની અનેક સોસાયટીઓમાં છેલ્લા પાંચ દિવસથી ફેલાતી કેમિકલ જેવી તીવ્ર અને ઝેરી દુર્ગંધને કારણે રહીશો ભારે મૂશ્કેલીમાં મુકાયા છે. વાતાવરણમાં ફેલાયેલા આ દુષણને કારણે સ્થાનિક રહીશોનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને લોકોમાં તંત્ર સામે રોષ ફેલાયો છે.

કેમિકલયુક્ત પાણીથી રહીશો પરેશાન

પ્રાપ્ત માહિતી અનુસાર, રણોલી ગામની સત્યનારાયણ સોસાયટીમાં છેલ્લા પાંચ દિવસથી અતિશય તીવ્ર કેમિકલ યુક્ત દુર્ગંધ આવી રહી છે. આ ઝેરી વાસ એટલી હદે વધી ગઈ છે કે ઘરોની બારીઓ અને દરવાજા બંધ રાખવા છતાં પણ રહીશોને રાહત મળતી નથી. આ ગંભીર સમસ્યાના કારણે સોસાયટીમાં રહેતા નાના બાળકોને ઉલ્ટી થવી અને લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડવી જેવી સ્વાસ્થ્ય સંબંધી ગંભીર ફરિયાદો સામે આવી છે. બાળકોની બગડતી તબિયતના કારણે વાલીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

સ્થાનિકોએ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી

પરિસ્થિતિ અસહ્ય બનતા આખરે કંટાળીને ગ્રામજનો મોઢે રૂમાલ બાંધીને રસ્તા પર ઉતરી આવ્યા હતા અને તંત્ર વિરુદ્ધ પોતાની ઉગ્ર નારાજગી વ્યક્ત કરી હતી. સ્થાનિકોના આક્ષેપ મુજબ, આ વિસ્તારની આસપાસ કેમિકલ ભરેલા ટેન્કરો ધોવા માટેના સર્વિસ સ્ટેશનો આવેલા છે. આ ઉપરાંત, રણોલી પેન્ડ્રુઝના ટેન્કરોમાંથી કેમિકલયુક્ત પાણી અને પદાર્થો નજીકની ગટરોમાં બેફામપણે છોડવામાં આવતા હોવાની પણ પ્રબળ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, આ ગંભીર આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ માટે યોગ્ય તપાસ અનિવાર્ય છે.

આરોગ્ય વિભાગ તપાસ કરે તેવી માંગ

આ ગંભીર મામલે ગ્રામ પંચાયત, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને આરોગ્ય વિભાગ દ્વારા સંયુક્ત અને સઘન તપાસ હાથ ધરવામાં આવે તેવી લોકમાંગ જોર પકડી રહી છે. સ્થાનિકોમાં એવી વ્યાપક નારાજગી જોવા મળી રહી છે કે ગંભીર આરોગ્ય જોખમ હોવા છતાં જવાબદાર તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી.

સ્થાનિકોએ ઉચ્ચારી ઉગ્ર આંદોલનની ચીમકી

આ સમસ્યાના કાયમી ઉકેલ માટે હવાની ગુણવત્તા અને પાણીના સેમ્પલ મેળવીને ચકાસણી કરવી, ટેન્કર ધોવાના સ્થળોનું અચાનક નિરીક્ષણ કરવું તેમજ ગટરોમાં કોઈ હાનિકારક અને ઝેરી રસાયણો છોડાય છે કે કેમ તેની ઊંડાણપૂર્વક તપાસ કરવી અત્યંત જરૂરી છે. ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો વહેલી તકે આ દુર્ગંધની સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.