વડોદરા સ્ટેશન પર પાણીનું એક-એક ટીપું એકદમ શુદ્ધ, પીવાના પાણીના 362 સેમ્પલ તપાસમાં 100% પાસ

પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ દ્વારા લેવાયેલા પાણીના 362 એવા સેમ્પલ 100% શુદ્ધ સાબિત થયા છે. મુસાફરોના સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે રેલવે પ્રશાસનનું ઉત્તમ પગલું.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Tue, 03 Nov 2026 07:26 PM (IST)Updated: Tue, 03 Nov 2026 07:26 PM (IST)
vadodara-railway-water-test-100-pure-drinking-water-confirmed

Vadodara Railway Water Test: પશ્ચિમ રેલવેના વડોદરા મંડળે રેલવે પરિસરો અને સ્ટેશનો પર મુસાફરો માટે ઉપલબ્ધ પીવાના પાણીની શુદ્ધતાના ક્ષેત્રે એક મોટી અને પ્રશંસનીય સિદ્ધિ હાંસલ કરી છે. હાલમાં જ તા. 27 ઓક્ટોબરથી 2 નવેમ્બર 2026 દરમિયાન ચલાવવામાં આવેલા વ્યાપક ગુણવત્તા તપાસ અભિયાનમાં લેવાયેલા તમામ 362 પાણીના નમૂના સરકારી ધોરણો મુજબ 100% સંતોષકારક અને પીવા યોગ્ય મળી આવ્યા છે.

વૈજ્ઞાનિક માપદંડો પર ખરી ઉતરી રેલવેની પાણી વ્યવસ્થા

જનસંપર્ક અધિકારી ખેમરાજ મીનાએ વિગતો આપતા જણાવ્યું કે, મંડળના મેડિકલ વિભાગ દ્વારા બે મુખ્ય વૈજ્ઞાનિક પરિમાણો — ‘અવશિષ્ટ ક્લોરીન’ (Residual Chlorine) અને ‘બેક્ટેરિયોલોજીકલ’ (Bacteriological) પરીક્ષણના આધારે આ વિશેષ ચકાસણી હાથ ધરવામાં આવી હતી. મુસાફરોના સ્વાસ્થ્ય સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ ન થાય તે માટે રેલવે પ્રશાસન દ્વારા આ મામલે અત્યંત કડક અને નિયમિત મોનિટરિંગ રાખવામાં આવે છે.

ક્લોરીન અને બેક્ટેરિયોલોજીકલ ટેસ્ટમાં તમામ સેમ્પલ 100% સુરક્ષિત

આ સપ્તાહભર ચાલેલા અભિયાન દરમિયાન પાણીમાં ક્લોરીનની યોગ્ય માત્રા ચકાસવા માટે કુલ 333 નમૂના લેવામાં આવ્યા હતા, જે તમામ સંપૂર્ણપણે સંતોષકારક જણાયા હતા. પાણીમાં યોગ્ય પ્રમાણમાં ક્લોરીન ઉપલબ્ધ હોવાથી જંતુનાશક પ્રક્રિયા વધુ અસરકારક બને છે.

આ ઉપરાંત, પાણી સંપૂર્ણપણે બેક્ટેરિયા મુક્ત હોવાની ખાતરી કરવા માટે 29 નમૂનાઓનું બેક્ટ્રીયોજીકલ (Bacteriological Test) પણ કરવામાં આવ્યું હતું, જે તમામ નિર્ધારિત ગુણવત્તાના માપદંડો પર સો ટકા ખરા ઉતર્યા છે.

મુસાફરોના સ્વાસ્થ્ય પ્રત્યે રેલવેની કટિબદ્ધતા

દરરોજ હજારોની સંખ્યામાં વડોદરા મંડળના વિવિધ સ્ટેશનો પરથી લાંબા અંતરના પ્રવાસીઓ અને મુસાફરો પસાર થતા હોય છે. આવા મુસાફરો માટે શુદ્ધ અને સંક્રમણમુક્ત પાણી એ ઉત્તમ સ્વાસ્થ્યની ચાવી છે. યાત્રીઓની સુવિધા અને તેમના આરોગ્ય પ્રત્યે પોતાની સામાજિક જવાબદારી સમજીને રેલવે પ્રશાસન દ્વારા પાણીની ગુણવત્તા પર સતત નજર રાખવામાં આવે છે.

મેડિકલ વિભાગના આ સતત પ્રયાસો અને શુદ્ધતાના નિયમિત ચેકિંગથી રેલવે પરિસરમાં અવરજવર કરતા મુસાફરોનો વિશ્વાસ વધુ દ્રઢ બન્યો છે. વડોદરા મંડળની આ સફળતા યાત્રીઓને સ્વચ્છ, સુવિધાસભર અને સુરક્ષિત પ્રવાસનો અનુભવ પૂરો પાડવા માટે પશ્ચિમ રેલવેની દ્રઢ પ્રતિબદ્ધતા દર્શાવે છે.