Vadodara: કથિત લાંચ લેતા વીડિયો મામલે PSI ઝવેરી સસ્પેન્ડ, પોલીસ કમિશનરે આપ્યા હતા તપાસના આદેશ

મારામારીના એક કેસમાં રાહત આપવા બદલ PSI ઝવેરી પર લાંચ માંગવાનો અને રૂપિયા લેતા હોવાનો ગંભીર આક્ષેપ છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 03 Feb 2026 10:52 AM (IST)Updated: Tue, 03 Feb 2026 10:52 AM (IST)
vadodara-psi-nn-zaveri-suspended-in-alleged-bribe-taking-video-case
HIGHLIGHTS
  • PSI એન.એન. ઝવેરીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે
  • લાંચ લેવાના કથિત વાયરલ વીડિયો મામલે કાર્યવાહી
  • વડોદરા પોલીસ કમિશનરે આપ્યા હતા તપાસ આદેશ

Vadodara PSI bribe controversy: વડોદરાના રિફાઈનરી પોલીસ ચોકીના તત્કાલીન PSI એન.એન. ઝવેરીનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં PSI ઝવેરી પર કથિત રીતે લાંચ માંગવાનો અને રૂપિયા લેતા હોવાનો ગંભીર આક્ષેપ છે. આ મામલે પોલીસ કમિશનરે તપાસનો આદેશ આપ્યો હતો. જે બાદ હવે PSI એન.એન. ઝવેરીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

લાંચ માંગ્યાનો આક્ષેપ, વીડિયો કર્યો વાયરલ

આ મામલાની મળતી વિગત અનુસાર મુસ્તુફા ઉર્ફે ઇનાયત ઈબ્રાહિમ ખાટકી નામના એક આરોપીએ એક વીડિયો વાયરલ કર્યો હતો. જેમાં PSI એન.એન. ઝવેરી લાંચ માંગતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જે વીડિયો વાયરલ થયો છે તેમાં PSI ઝવેરીના હાથમાં રૂપિયા હોય તેવું દર્શાવાયું છે.

PSI એન.એન. ઝવેરીને સસ્પેન્ડ

આ સમગ્ર ઘટનાનો વીડિયો તેણે જેલમાંથી મુક્ત થયા બાદ જાહેર કર્યો છે, જે સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થયો હતો. આ વિડિયો વાયરલ થયા બાદ પોલીસ કમિશનરે તપાસનો આદેશ આપ્યો હતો, અને વીડિયોની ખરાઈ કરવામાં આવી હતી. જે બાદ હવે PSI એન.એન. ઝવેરીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જ્યારે આ મામલાની તપાસ એ-ડિવિઝન પોલીસને સોંપવામાં આવી છે. 

શું હતો મામલો?

ઇનાયત ખાટકીનો આક્ષેપ છે કે, વર્ષ 2025 માં અકબર નામના વ્યક્તિ સાથે થયેલી મારામારીના કેસમાં તેની અટકાયત કરવામાં આવી હતી. જે બાદ તેને રાહત આપવા માટે PSI ઝવેરીએ પોતાની કેબિનમાં જ રૂપિયાની માંગણી કરી હતી. તમને જણાવી દઈએ કે, PSI ઝવેરીની જવાહરનગર પોલીસ સ્ટેશનમાંથી પાણીગેટ પોલીસ સ્ટેશન અને ત્યાંથી ટ્રાફિક પોલીસમાં બદલી થઈ છે. 

પોલીસના જણાવ્યા અનુસાર, ઇનાયત ખાટકી સામે જવાહરનગર પોલીસ સ્ટેશનમાં જુગારનો અડ્ડો ચલાવવા બદલ પાસાની કાર્યવાહી કરવામાં આવી છે. તેની સામે બે વખત પાસા કરાઈ છે. વધુમાં, અગાઉ ગૌમાંસ વેચાણના ગુનામાં પાસા હેઠળ તેની ધરપકડ કરવામાં આવી હતી. એક મહિના પહેલા જ આરોપી જેલમાંથી મુક્ત થયો છે.