Vadodara Police Navratri Security: આગામી નવરાત્રી મહોત્સવ દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંપૂર્ણપણે જળવાઈ રહે તથા કોઈ અપ્રિય કે અનિચ્છનીય બનાવ ન બને તે માટે વડોદરા શહેર પોલીસ તંત્ર અત્યારથી જ સતર્ક બન્યું છે. ખેલૈયાઓ અને નાગરિકો નિર્ભય બનીને ઉજવણી કરી શકે તે માટે શહેરના વિવિધ સંવેદનશીલ અને જાહેર સ્થળો પર પોલીસ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ અને પેટ્રોલીંગની કામગીરી તેજ કરવામાં આવી છે.
હરણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ધમધમતા રાત્રી બજાર અને આસપાસના વિસ્તારમાં વડોદરા પોલીસના કાફલા દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ખાસ તપાસ ઝોન-8 ના ઈન્ચાર્જ નાયબ પોલીસ કમિશનર અભિષેક ગુપ્તા અને એચ ડિવિઝનના ઈન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશનર એમ.એમ. રાજપૂતની સીધી આગેવાની અને માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.
હરણી પોલીસ સ્ટેશનના PI તથા પોલીસ સ્ટાફે રાત્રી બજાર પરિસરમાં આવતા-જતા વાહનોને અટકાવીને તેમનું કડક ચેકિંગ કર્યું હતું. તપાસ દરમિયાન વાહન વ્યવહારના નિયમોનો ભંગ કરનારા તેમજ શંકાસ્પદ જણાયેલા વાહનોને સ્થળ પર જ ડિટેઈન કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત, રાત્રી બજાર આસપાસ આંટાફેરા મારતા કે શંકાસ્પદ હિલચાલ ધરાવતા વ્યક્તિની અટકાયત કરી પૂછપરછ કરવામાં આવી અને તપાસ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, નવરાત્રિ તહેવાર દરમિયાન મોડી રાત સુધી રાત્રી બજાર સહિતના જાહેર સ્થળોએ યુવાનો અને પરિવારજનોની ભારે ભીડ રહેતી હોય છે. અસામાજિક તત્વો પર કડક અંકુશ મેળવવા અને ભયમુક્ત વાતાવરણ નિર્માણ કરવાના આશયથી પોલીસે કમર કસી છે. પોલીસ કમિશનરેટ દ્વારા આગામી દિવસોમાં પણ શહેરના અલગ-અલગ વિસ્તારો, મોલ, ગરબા ગ્રાઉન્ડ અને ભીડભાડવાળી જગ્યાઓ પર આકસ્મિક તપાસ ચાલુ રાખવામાં આવશે.
