Padra Bribery Case: પાદરા પોલીસ સ્ટેશનના ચકચારી લાંચ પ્રકરણમાં લાંબા સમયથી ફરાર તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર વી.એ. ચારણને ગુજરાત હાઇકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. હાઇકોર્ટે પી.આઈ. ચારણના આગોતરા જામીન મંજૂર કર્યા છે. અદાલતના આદેશ અનુસાર, તેમને આગામી તારીખ 17 નવેમ્બર 2026 સુધીમાં હાઇકોર્ટમાં હાજર થઈને પોતાના નિવેદનો લખાવવા અને તપાસ એજન્સીને સંપૂર્ણ સહકાર આપવા માટે ખાસ આદેશ કરવામાં આવ્યો છે. છેલ્લા સાત મહિનાથી આ કેસમાં પોલીસ પકડથી દૂર રહેલા પી.આઈ. ચારણને આ આગોતરા જામીન મળતાં તપાસનો ધમધમાટ વધુ વેગ પકડે તેવી શક્યતા છે.
PI પર 2 લાખની લાંચનો આક્ષે
આ સમગ્ર પ્રકરણની વિગતવાર વાત કરીએ તો, પાદરા પોલીસ મથકમાં એક ઝઘડાનો સામાન્ય કેસ નોંધાયો હતો. આ કેસને 'લવ જેહાદ'નો ગંભીર ગુનો બતાવીને કાયદેસરની કાર્યવાહી ન કરવા અને ફરિયાદીને વધુ હેરાન ન કરવા બદલ પી.આઈ. વી.એ. ચારણ દ્વારા માતબર રકમની લાંચની માંગણી કરવામાં આવી હતી. શરૂઆતના તબક્કામાં છ લાખ રૂપિયાની માગણી કરવામાં આવી હતી, પરંતુ લાંબી રકઝક અને સોદાબાજી અંતે બે લાખ રૂપિયામાં મામલો પતાવટ કરવાનું નક્કી કરાયું હતું. આ રકમ ચૂકવવા માટે આરોપીઓ દ્વારા ફરિયાદીને વારંવાર ફોન કરીને સતત માનસિક દબાણ કરવામાં આવી રહ્યું હતું.
ACBના છટકામાં પીઆઈ ઝડપાયા
જોકે, લાંચની રકમ આપવાને બદલે જાગૃત બનેલા ફરિયાદીએ સીધો જ વડોદરા ACB નો સંપર્ક કર્યો હતો. ફરિયાદીની ફરિયાદને આધારે ACBના અધિકારીઓએ નિયમોનુસાર પંચોની હાજરીમાં એક સફળ છટકું ગોઠવ્યું હતું. શહેરના અક્ષર ચોક વિસ્તારમાં જ્યારે વચેટિયો સાજીદઅલી ફરિયાદી પાસેથી લાંચના રુ. 2 લાખ રૂપિયા સ્વીકારી રહ્યો હતો, તે જ સમયે ACBની સક્રિય ટીમે તત્કાલીન પીઆઈને રંગેહાથ ઝડપી લીધો હતો. ACBએ સ્થળ પરથી જ લાંચની રકમ જપ્ત કરી આરોપીની અટકાયત કરી લીધી હતી.
હાઈકોર્ટ દ્વારા આગોતરા જામીન મંજૂર
મુખ્ય સૂત્રધાર તરીકે પાદરાના તત્કાલીન પી.આઈ. વી.એ. ચારણનું નામ સપાટી પર આવતાં તેઓ આ ઘટના બાદથી જ પોલીસ પકડથી બચવા ભૂગર્ભમાં જતા રહ્યા હતા. ACB દ્વારા આ કેસમાં બંને આરોપીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ કાયદેસરનો ગુનો નોંધીને તેમની ધરપકડ કરવા માટે તમામ ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા.
પોલીસ વિભાગની છબી ખરડાવતા આ લાંચ પ્રકરણ અને ખાખી પર લાગેલા ડાઘને પગલે સમગ્ર વડોદરા પોલીસ બેડામાં ભારે ચર્ચાઓનો દોર શરૂ થઈ ગયો છે. હવે હાઇકોર્ટ દ્વારા આગોતરા જામીન મંજૂર કરવામાં આવ્યા છે અને નિર્ધારિત સમયમર્યાદામાં તપાસમાં સહકાર આપવાનો આદેશ અપાયો છે.
