Vadodara News: વડોદરા શહેરના કલાલી વિસ્તારમાં રહેતા ગિરીશભાઈ નાનજીભાઈ સોલંકી વિરુદ્ધ વધુ એક ખંડણીની ફરિયાદ નોંધાઈ છે. અગાઉ પણ ખંડણીના ગુનામાં ક્રાઇમ બ્રાન્ચના હાથ ચઢેલા આ માથાભારે શખ્સે આ વખત મકરપુરા જી.આઈ.ડી.સી. વિસ્તારમાં આવેલી એક કંપનીના માલિકને ધમકી આપી પાંચ લાખ રૂપિયાની ખંડણી માંગ્યાનો આરોપ સામે આવ્યો છે.
અટલાદરા પોલીસ સ્ટેશનમાં કલાલી વિસ્તારના બ્લુ બેલ ટાવરમાં રહેતા અનુપસિંહ પ્રિતમસિંહ ઠાકુરે ફરિયાદ નોંધાવી છે કે તેમની મકરપુરા જી.આઈ.ડી.સી.માં પી. એન્જીનીયર્સ એન્ડ ફેબ્રીકેટર્સ નામની પેકેજિંગ કંપની છે. પાંચેક વર્ષ પહેલાં તેમની ઓળખાણ ગિરીશ સોલંકી સાથે થઈ હતી, જે વિસેન્ઝા હાઈડેકના મલબરી ટાવરમાં રહે છે અને પોતાને કોન્ટ્રાક્ટર તરીકે ઓળખાવે છે. તે લાયસન્સવાળી સર્વિસ રિવોલ્વર રાખતો હોવાનું જણાવી ફરિયાદીને વિશ્વાસમાં લીધો હતો.
પછી તેને સોસાયટીની કમિટીમાં સભ્ય તરીકે સામેલ કરવામાં આવ્યો, પરંતુ મીટિંગ દરમ્યાન ઝઘડો અને ગાળાગાળો કરવાના કારણે તેને હટાવવામાં આવ્યો હતો. ત્યારબાદ તે સોસાયટીના અન્ય રહીશોને ધમકાવતો અને ત્રાસ આપતો રહ્યો હતો. ફરિયાદી અનુસાર, નવરાત્રી દરમ્યાન ગિરીશે ફોન અને વોટ્સએપ કોલ દ્વારા તું સોસાયટીમાં આગળ પડતો ભાગ કેમ ભજવે છે? કહી અપશબ્દો બોલી મારી નાખવાની તેમજ પુત્રને ઉઠાવી જવાની ધમકી આપી હતી.
આ પછી 9 ઓગસ્ટે સવારે ફરિયાદી ફેક્ટરી જઇ રહ્યા હતા ત્યારે અજાણ્યા શખ્સે આવી જણાવ્યું કે ગિરીશભાઈએ તારી પાસેથી પાંચ લાખ રૂપિયા મંગાવ્યા છે, સાંજ સુધીમાં આપ નહિ તો તારી ફેક્ટરી વિશે પેપરમાં વાતો ફેલાઈ જશે. બાદમાં વોટ્સએપ ગ્રુપમાં પણ ગિરીશે મારી પાસે ફુલી લોડેડ રિવોલ્વર છે એવા ધમકાવનારા મેસેજ મૂક્યા હતા. પહેલેથી જ કોન્ટ્રાક્ટર પાસે રિવોલ્વર તાકી બે લાખ રૂપિયાની ખંડણી માંગવાના ગુનામાં ધરપકડ થયેલા ગિરીશ સોલંકી વિરુદ્ધ હવે બીજી ખંડણીની ફરિયાદ નોંધાતા પોલીસે વધુ એક ગુનો દાખલ કર્યો છે અને તેની ધરપકડ માટે તજવીજ શરૂ કરી છે.
