Vadodara News: વડોદરા શહેરના છેવાડે આવેલા ઉંડેરા વિસ્તાર સ્થિત ઈસાનિયા સ્કાયબ્રિજ ફ્લેટ્સમાં ગઈ રાતે નાનાં મુદ્દે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. સોસાયટીના જ કેટલાક સભ્યો વચ્ચે શરૂ થયેલું તણાવ વધી જતા મારામારી સુધી વાત પહોંચી હતી. માહિતી મુજબ, એક સામાન્ય બાબતે બે પક્ષ વચ્ચે પહેલી બોલાચાલી થઈ હતી. પરંતુ થોડા જ પળોમાં મામલો એટલો ગરમાયો કે છૂટા હાથની મારામારી સુધી પહોંચી ગયો હતો.
સ્થળ પર રહેલા સોસાયટીના કેટલાક લોકોએ જણાવ્યા મુજબ, બન્ને પક્ષ વચ્ચે ગેરસમજ ઊભી થતા વાતાવરણ તંગ બન્યું હતું અને પછી કેટલાક લોકોએ ભેગા મળી એક યુવક પર હુમલો કર્યો હતો. યુવકને ઢોર માર મારવામાં આવ્યો હતો જેના કારણે તે લોહીલુહાણ હાલતમાં પડી ગયો હતો. મારામારીના સમગ્ર દૃશ્ય સોસાયટીમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયા હતા.
આ ઘટનામાં યુવકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે ઘટનાસ્થળે હાજર લોકોએ તેને તરત જ નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો. ડૉક્ટરો મુજબ ઈજાઓ ગંભીર હોવાથી ખાસ સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે. યુવકની હાલત સ્થિર છે પરંતુ વધુ સારવાર જરૂરી હોવાનું જણાઈ રહ્યું છે.
ઘટના બાદ સોસાયટીમાં ચકચાર મચી ગઈ હતી અને રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા જ જવાહરનગર પોલીસ સ્ટેશનની ટીમે સ્થળ પર પહોંચી પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. ઇજાગ્રસ્ત યુવકના નિવેદનના આધાર પર હુમલાખોરો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે સીસીટીવી ફુટેજના આધારે અન્ય વ્યક્તિઓની ઓળખ પણ શરૂ કરી દીધી હોવાનું જાણવા મળે છે. પોલીસ દ્વારા આગળની કાર્યવાહી ચાલુ છે.
