Vadodara Fraud Case: વડોદરામાં તમન્ના-સોહેલ સૈયદ સામે છેતરપિંડીની વધુ એક ફરિયાદ, ફતેગંજ પોલીસે ગુનો નોંધ્યો

આરોપી તમન્ના-સોહેલ સૈયદ સામે ઈન્ટિરિયર ડેકોરેશનના કામમાં પૈસા ન ચૂકવી ઠગાઈ કર્યાનો આરોપ છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Fri, 18 Sep 2026 02:41 PM (IST)Updated: Fri, 18 Sep 2026 02:41 PM (IST)
vadodara-news-tamanna-sayyed-and-sohail-sayyed-interior-work-fraud-fatehgunj-police-file-fir
આરોપી તમન્ના સૈયદ

Vadodara Tamanna Sayyed Fraud Case: વડોદરામાં ડ્રગ્સ નેટવર્ક અંગેની વિગતો જાહેર કરીને ચર્ચામાં આવેલી તમન્ના સૈયદ અને તેના પતિ સોહેલ સૈયદ સામે છેતરપિંડીનો વધુ એક ગુનો દાખલ થયો છે. તાંદલજા વિસ્તારમાં રહેતા અને ઈન્ટિરિયર ડેકોરેશનનો વ્યવસાય કરતા મહંમદ કલીમમહંમદ શરીફ શેખે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં દંપતી વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે.

આ કેસની વિગતો મુજબ, એપ્રિલ-2024માં સોહેલ સૈયદે છાણી સ્થિત 'વેદા-2' નામના પ્રોજેક્ટમાં પોતાના નવા ફ્લેટના ઈન્ટીરીયર કામ માટે મહંમદ કલીમનો સંપર્ક કર્યો હતો. સોહેલ અને તેની પત્ની તમન્નાની પસંદગી અનુસાર POP, વુડન ફર્નિચર, ઈલેક્ટ્રિક વાયરીંગ અને ગ્રીલ સહિતના કામનું રૂ. 7 લાખનું ક્વોટેશન તૈયાર કરવામાં આવ્યું હતું.

જોકે, અંદરોઅંદરના મિત્રતાના સંબંધોને કારણે આ કામ રૂ. 6.55 લાખમાં પતાવવાનું નક્કી થયું હતું. ત્યારબાદ દંપતીએ પડદા અને વુડન ફ્લોરિંગ જેવું અન્ય વધારાનું કામ પણ કરાવ્યું હતું, જેનો ખર્ચ રૂ. 2,69,945 થયો હતો. આમ, ફ્લેટના સમગ્ર ઈન્ટીરીયર કામનું કુલ બિલ રૂ. 9,24,945 સુધી પહોંચ્યું હતું.

કામ શરૂ થયા બાદ સોહેલ અને તમન્ના સૈયદે શરૂઆતમાં રોકડા તેમજ ગૂગલ-પે મારફતે ટુકડે-ટુકડે કુલ રૂ. 4.74 લાખ ચૂકવ્યા હતા. બાકી નીકળતી રૂ. 4,50,945 ની રકમ માટે જ્યારે પણ વેપારી ઉઘરાણી કરતા, ત્યારે દંપતી 'વિશ્વાસ રાખો, કામ પૂરું થતાં પહેલાં આખી રકમ ચૂકવી દઈશું' તેવા ખોટા વાયદા આપીને સમય વિતાવતા હતા.

જુલાઈ-2024માં ફ્લેટનું તમામ ઈન્ટીરીયર અને વધારાનું કામ સંપૂર્ણ રીતે પૂરું થઈ ગયું હોવા છતાં, બાકીની રકમ ચૂકવવામાં આવી નહોતી. વારંવારની માંગણી છતાં નાણાં ન મળતા અને દંપતીની દાનત ખરાબ જણાતા આખરે વેપારીએ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં સોહેલ સૈયદ અને તમન્ના સૈયદ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે દંપતી સામે ગુનો નોંધી આગળની કાનૂની તપાસ હાથ ધરી છે.