Vadodara: વડોદરામાં રહેતી આધેડ મહિલા સાઈબર ફ્રોડનો ભોગ બની છે. જેમાં સોશિયલ મીડિયા મારફતે મિત્ર બનેલા ગઠિયાએ બીટકૉઈનમાં રોકાણ કરાવવાના બહાને રૂ.1.23 કરોડ પડાવી લેતા સમગ્ર મામલો પાદરા પોલીસ મથકના ચોપડે ચડ્યો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, વડોદરા શહેરના જેતલપુર રોડ વિસ્તારમાં આવેલી સોસાયટીમાં રહેતા અનુપમાબેન (50) નામની મહિલા સોશિયલ મીડિયા મારફતે સેમ્પુઅલ જોસેફ નામના વ્યક્તિના સંપર્કમાં આવી હતી. સેમ્યુઅલ જૉસેફે અનુપમાબેન સાથે મિત્રતા કેળવીને ચેટિંગ કરીને તેમનો વિશ્વાસ જીત્યો હતો.
થોડા દિવસો બાદ સેમ્યુઅલે બીટકૉઈનમાં રોકાણ કરવાથી જંગી નફો મળશે, તેવી લાલચ આપતા અનુપમાબેને પૈસા ટ્રાન્સફર કરવાના શરૂ કર્યાં હતા. ફરિયાદીએ સેમ્યુઅલની વાતોમાં આવીને રોકડ, RTGS, UPI મારફતે રૂ.1.26 કરોડ જેટલી મતબર રકમ ઈન્વેસ્ટમેન્ટ માટે મોકલી હતી.
સેમ્યુઅલે અનુપમાબેનને જણાવ્યું કે, તમે કરેલા રોકાણ પર 3.24 લાખ રૂપિયાનો નફો થયો છે, જે તમને મોકલી આપવામાં આવશે. જ્યારે બાકીની રકમ અન્ય સ્કીમમાં ઈન્વેસ્ટ કરવા જણાવ્યું હતુ.
જો કે પાછળથી અનુપમાબેનને ખબર પડી હતી કે, સેમ્યુઅલે બાકીની 1.23 કરોડની રકમ ઈન્વેસ્ટ કરવાની જગ્યાએ પોતાના અંગત ખર્ચ માટે વાપરી નાંખ્યા છે. આથી પોતાની સાથે વિશ્વાસઘાત થયો હોવાની જાણ થતાં અનુપમાબેને પાદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. હાલ તો પોલીસ દ્વારા આ કેસમાં તપાસ શરૂ કરવામાં આવી છે.
