VIDEO: વડોદરાના બજારોમાં દિવાળી ટાણે અનોખું અભિયાન, લોકોને જાગૃત કરવા ખુદ પોલીસે ચોર બની ગઠિયાઓથી સાવચેત રહેવાનો સંદેશો આપ્યો

વડોદરા પોલીસે દિવાળી પર્વે બજારોમાં થતી ભીડભાડ વચ્ચે ચોરીના બનાવો અટકાવવા અને બાળકોની સુરક્ષા માટે અનોખું જાગૃતિ અભિયાન હાથ ધર્યું છે. જે અંતર્ગત સિવિલ ડ્રેસમાં પોલીસ કર્મચારીઓ ગ્રાહકોની નજર ચૂકવીને સિફ્તપૂર્વક તેમના મોબાઈલ નીકાળીને તેમને સતર્ક રહેવાનો સંદેશ આપ્યો હતો. આ સાથે જ લાઉડ સ્પીકર પરથી પણ એલાન કરવામાં આવ્યું છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 03 Nov 2026 06:37 PM (IST)Updated: Tue, 03 Nov 2026 06:37 PM (IST)
vadodara-news-police-turn-thieves-to-warn-citizens-against-festive-scams-ahead-of-diwali

Vadodara: દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે વડોદરા શહેરના મુખ્ય બજારોમાં ખરીદી કરવા માટે લોકોની ભારે ભીડ ઉમટી રહી છે. આ ભીડભાડનો ગેરલાભ લઈને તસ્કરો નાગરિકોના કિંમતી સામાન પર હાથ સાફ ન કરી જાય તેમજ બાળકોની સુરક્ષા જળવાઈ રહે તેવા ઉદ્દેશ્યથી વડોદરા શહેર પોલીસ દ્વારા એક વિશેષ અને અનોખું જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. શહેરના વ્યસ્ત ગણાતા ચાર દરવાજા અને એમ.જી. રોડ વિસ્તારમાં પોલીસે અનોખો પ્રયોગ કરીને લોકોને સાવચેત રહેવાનો સંદેશ આપ્યો હતો.

માંડવી, લહેરીપુરા અને ચાર દરવાજા સહિતના બજારોમાં તહેવારો દરમિયાન મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે ઉમટે છે. ખરીદીમાં મશગૂલ નાગરિકોના પર્સ કે ખિસ્સામાંથી મોબાઈલ સેરવી લેવાની ઘટનાઓ અટકાવવા માટે પોલીસે પ્રત્યક્ષ પ્રયોગ કર્યો હતો. આ અભિયાન દરમિયાન પોલીસ જવાનો સિવિલ ડ્રેસમાં બજારમાં ફર્યા હતા અને ખરીદીમાં વ્યસ્ત મહિલાઓના પર્સમાંથી સિફતપૂર્વક મોબાઈલ ફોન કાઢી લીધા હતા.

Amreli: લીલિયાના ગુંદરણ ગામે પૈસાની લેવડ-દેવડમાં બે પરપ્રાંતિય યુવકોને ગાડી સાથે જીવતા સળગાવી નાંખતા અરેરાટી, 2ની ધરપકડ

જ્યારે તે મહિલાઓને તેમનો મોબાઈલ પરત આપીને 'લો, આ તમારો મોબાઈલ સાચવો' કહેવામાં આવ્યું, ત્યારે ભીડમાં કેવી રીતે ચોરી થઈ શકે છે તેનો અંદાજ તેમને આવ્યો હતો. આ પ્રત્યક્ષ નિદર્શન દ્વારા પોલીસે નાગરિકોને પોતાની કિંમતી ચીજવસ્તુઓ પ્રત્યે સતર્ક રહેવા અપીલ કરી હતી.

બજારમાં લાઉડસ્પીકર સિસ્ટમ દ્વારા સતત અનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું હતું. જેમાં લોકોને રોકડ રકમ, દાગીના અને મોબાઈલ ફોનની ખાસ સંભાળ રાખવા જણાવવામાં આવ્યું હતું. આ સાથે પરિવાર સાથે ખરીદી કરવા આવતા વાલીઓને ખાસ સૂચના અપાઈ હતી કે, તેઓ ભીડમાં નાના બાળકોને એકલા ન છોડે અને તેમની સુરક્ષા બાબતે પૂરતી કાળજી રાખે.

ડીસીપી ઝોન-૩ અભિષેક ગુપ્તાએ નાગરિકોને સાવચેત રહેવા અનુરોધ કરતા જણાવ્યું હતું કે તહેવારોમાં ખરીદી વખતે લોકોએ સતર્ક રહેવું અને અજાણ્યા લોકોની લાલચ કે લોભામણી વાતોમાં ફસાવવું નહીં. આ અભિયાન દરમિયાન નાગરિકોને ડિજિટલ યુગમાં સાયબર ઠગાઈથી બચવા માટે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે અજાણી લિંક પર ક્લિક ન કરવા તેમજ શંકાસ્પદ APK ફાઈલો ડાઉનલોડ કરવાથી દૂર રહેવા ભાર મૂક્યો હતો.

જો કોઈ નાગરિક અજાણતાં સાયબર ફ્રોડનો ભોગ બને, તો સમય બગાડ્યા વિના તુરંત જ 1930 હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરવો અને બેંકને જાણ કરી ખાતાને સુરક્ષિત કરાવવું જોઈએ. વડોદરા પોલીસના આ સરાહનીય પ્રયાસનો મુખ્ય હેતુ દિવાળીના તહેવારમાં નાગરિકો સુરક્ષિત રહે અને કોઈ અનિચ્છનીય ઘટનાનો ભોગ ન બને તે સુનિશ્ચિત કરવાનો છે.