Vadodara News: ગાંધીના ગુજરાતમાં દારુબંધી છે અને સરકાર પણ દારુબંધીનો ચુસ્ત અમલ કરવામાં આવતો હોવાનો દાવો કરતી રહે છે. જો કે આ દાવા ફક્ત કાગળ પર જ અમલમાં હોય તેમ બેફામ બનેલા બૂટલેગરો શહેરોમાં દારૂનો જથ્થો ઘૂસાડવા માટે અવનવા પેંતરા અપનાવી રહ્યાં છે. બૂટલેગરોના આવા જ એક કીમિયાનો વડોદરા પોલીસે પર્દાફાશ કર્યો છે.
હકીકતમાં વડોદરા PCBને બાતમી મળી હતી કે, શહેરના નામચીન બુટલેગરે દારૂનો જથ્થો ગોત્રી મેડિકલ હોસ્પિટલના પાર્કિગમાં છૂપાવ્યો છે. જ્યાંથી દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે.
આ બાતમીના આધારે PCB પોલીસની ટીમે ગોત્રી સરકારી હોસ્પિટલમાં વૉચ ગોઠવી દારૂના જથ્થા ભરેલી કાર સહિત કુલ 1.70 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ સાથે જ વિજય મેકવાન અને નિકુંજ મકવાણા નામના બે બુટલેગરોની ધરપકડ કરી હતી, જ્યારે સંજય ઉર્ફે ટીકો બારોટ, મહેન્દ્ર ઉર્ફે બેલકિયો મારવાડીને વૉન્ટેડ જાહેર કર્યાં હતા.