Vadodara News: વડોદરા શહેરમાં નવા વર્ષની ઉજવણી અને 31 ડિસેમ્બરની પાર્ટીઓ પહેલાં ગેરકાયદે દારૂની હેરાફેરી વધવાની આશંકાને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર સતર્ક બન્યું છે. તે વચ્ચે મકરપુરા પોલીસે મહત્વની કાર્યવાહી કરી માણેજા વિસ્તારમાં ચાલતા દારૂના કટિંગ પર દરોડો પાડી લાખોની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો છે. આ કાર્યવાહીથી શહેરમાં દારૂના ગેરકાયદે વેપારમાં સંડોવાયેલા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, માણેજા વિસ્તારમાં દારૂનું કટિંગ ચાલી રહ્યું હોવાની ગુપ્ત માહિતી મકરપુરા પોલીસને મળી હતી. માહિતીના આધારે પોલીસ ટીમે તાત્કાલિક આયોજનબદ્ધ રીતે દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે વિદેશી દારૂ બંધ બોડીના કન્ટેનરમાં છુપાવી રાખવામાં આવ્યો હતો અને ત્યાંથી છોટા હાથી ટેમ્પો સહિત અન્ય વાહનો મારફતે વિવિધ વિસ્તારોમાં સપ્લાય કરવાની તૈયારી ચાલી રહી હતી. પોલીસે સ્થળ પર જ કાર્યવાહી કરી દારૂનો વિશાળ જથ્થો કબ્જે કર્યો હતો.
આ દરોડા દરમિયાન પોલીસે બંધ બોડીનું કન્ટેનર સહિત કુલ ચાર વાહનો કબ્જે કર્યા છે. સાથે સાથે ઘટનાસ્થળ પરથી બે શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે. જોકે, પોલીસ પહોંચે તે પહેલાં જ કેટલાક ઇસમો ફરાર થવામાં સફળ રહ્યા હતા. ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ શરૂ કરવામાં આવી છે અને તેઓ પાસેથી દારૂ કોને મંગાવ્યો હતો તથા કોને સપ્લાય કરવાનો હતો તે અંગે મહત્વની વિગતો મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
મકરપુરા પોલીસ હાલ આ સમગ્ર રેકેટ પાછળ કોણ સંડોવાયેલું છે તે જાણવા ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. ફરાર આરોપીઓને ઝડપવા માટે વિવિધ ટીમો બનાવવામાં આવી છે અને સંભવિત ઠેકાણાઓ પર છાપા મારવામાં આવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે વડોદરામાં 31 ડિસેમ્બર અને નવા વર્ષની ઉજવણીને લઈને લોકોમાં ઉત્સાહનો માહોલ છે. આ સ્થિતિમાં બુટલેગરો દ્વારા ગેરકાયદે દારૂનો જથ્થો શહેરમાં ઘુસાડવાના પ્રયાસો વધી જાય છે. જોકે, પોલીસ તંત્ર દ્વારા પહેલેથી જ શહેરભરમાં કડક નજર રાખવામાં આવી રહી છે અને દારૂ સહિતના તમામ ગેરકાયદે ધંધાઓ સામે સતત અને કડક કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે.
