Vadodara News: વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા કમોસમી વરસાદે ખેડૂતોના સપનાઓ પર પાણી ફેરવી દીધું છે. આ માવઠાના કારણે ખેતરોમાં ઊભેલો તેમજ કાપણી કરાયેલો ડાંગરનો પાક કાદવ અને કીચડમાં ગરકાવ થઈ જતાં ખેડૂતોને પારાવાર આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. લીમડા, ફલોડ, વ્યારા, વેજલપુર, અલવા સહિતના ડાંગરનું મોટા પાયે વાવેતર કરતા ગામોમાં પાકની સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે, જેના કારણે સ્થાનિક ખેડૂતોમાં ભારે નિરાશા વ્યાપી છે.
કાપણી માટે તૈયાર પાક પર કુદરતનો કેર
ખેડૂતોના જણાવ્યા અનુસાર, ડાંગરનો પાક કાપણી માટે સંપૂર્ણપણે તૈયાર હતો ત્યારે અચાનક પડેલા આ વરસાદે આખા ખેતરોને જળબંબાકાર કરી દીધા છે. અનેક સ્થળોએ કાપેલો પાક ખેતરમાં જ પલળી ગયો છે, જેના પરિણામે ડાંગરના દાણા ખેતરમાં જ અંકુરિત થવાનો ગંભીર ભય ઊભો થયો છે. આ વિષમ પરિસ્થિતિમાં ખેડૂતો માટે પોતાની ઉપજનો એક ટકો પણ બચાવવો લગભગ અશક્ય બન્યો છે, જે તેમની મુશ્કેલીઓમાં ઓર વધારો કરી રહ્યો છે.

સરકાર પાસે સહાયની માગ
લોન લઈને, દિવસ-રાત અથાક મહેનત કરીને ઉછેરેલો પાક એક ઝાટકે બરબાદ થતાં ખેડૂતોની આંખોમાં નિરાશા અને ભવિષ્યની ચિંતા સ્પષ્ટ દેખાઈ રહી છે. કુદરતના આ આઘાતથી 'જગતનો તાત' તરીકે ઓળખાતો ખેડૂતवर्ग ખચકાઈ ગયો છે. અનેક ખેડૂતો હવે આગામી સિઝનના વાવેતર માટે પણ ચિંતિત બન્યા છે, કારણ કે હાલની નુકસાનીમાંથી બહાર આવવું તેમના માટે અત્યંત કઠિન બન્યું છે. વાઘોડિયા તાલુકાના ખેડૂતોએ સરકાર સમક્ષ તાત્કાલિક પાક નુકસાનનું સર્વેક્ષણ કરીને યોગ્ય અને સમયસર આર્થિક સહાય જાહેર કરવાની માંગ કરી છે.
ડાંગર, કપાસ અને ગવારના પાકને વ્યાપક નુકસાન
ખેડૂતે જણાવ્યું હતું કે, વાઘોડિયા તાલુકામાં છેલ્લા દસ દિવસથી અવિરત વરસાદ અને પવનને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ડાંગર, કપાસ અને ગવાર સહિતના મુખ્ય પાકોને ભારે નુકસાન થયું છે, જેમાં ખેતરોમાં પાક જમીનદોસ્ત થઈ ગયો છે અને પાણી ભરાઈ ગયા છે. ખેડૂતોનું કહેવું છે કે પાક લણવાનો ખર્ચ પણ વસૂલ કરવો અશક્ય છે અને તેઓ સંપૂર્ણપણે પાયમાલ થઈ ગયા છે. ભૂતકાળમાં પણ આવી જ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હોવા છતાં કોઈ સરકારી સહાય મળી ન હોવાથી, ખેડૂતોએ સરકાર સમક્ષ સૌરાષ્ટ્રના ખેડૂતોની જેમ જ તાત્કાલિક આર્થિક સહાય અને દેવા માફીની માંગ કરી છે, જેથી તેઓ આ સંકટમાંથી ઊભા થઈ શકે.

75% જેટલો પાક નાશ પામ્યો હોવાનો અંદાજ
ખેડૂતોએ જણાવ્યા અનુસાર, કમોસમી વરસાદ અને ભારે પવનને કારણે ખેડૂતોને ડાંગરના પાકમાં વ્યાપક નુકસાન થયું છે, જેમાં એક ખેડૂતના ખેતરમાં 75% જેટલો પાક નાશ પામ્યો હોવાનો અંદાજ છે. આ સતત બીજા વર્ષે કુદરતી આફતને કારણે પાક નિષ્ફળ જતાં ખેડૂતો દેવાના બોજ તળે દબાઈ રહ્યા છે. સરકાર દ્વારા ડાંગર માટે નિર્ધારિત ટેકાના ભાવ (રૂ. 480) હોવા છતાં, વેપારીઓ માત્ર રૂ. 300-350 માં ખરીદી કરતા હોવાથી ખેડૂતોની હાલત વધુ કફોડી બની છે. ખેડૂતોએ સરકારને તાત્કાલિક અસરથી નુકસાનનો સર્વે કરીને પૂરતી આર્થિક સહાય પૂરી પાડવા વિનંતી કરી છે, કારણ કે આવી પરિસ્થિતિમાં ખેડૂતો આત્મહત્યા જેવા ગંભીર પગલાં ભરવા મજબૂર બને તેવી દહેશત છે.
વાઘોડિયામાં સર્વે દરમિયાન તંત્ર સામે ગ્રામજનોનો રોષ
વાઘોડિયા તાલુકામાં કમોસમી વરસાદથી થયેલા નુકસાનનું સર્વે કરવા માટે તંત્રની ટીમો ગામોમાં પહોંચી હતી, પરંતુ સ્થાનિક ગ્રામજનોએ આ સર્વે રોકી દીધો હતો. ખેડૂતોનો આક્ષેપ છે કે ઓનલાઇન સર્વે સિસ્ટમમાં વાસ્તવિક માહિતી ચઢતી નથી અને ખેડૂતના હકીકત આધારિત નુકસાનનો આંકડો ઓછો બતાવવામાં આવે છે. આ કારણસર ગ્રામજનોએ ઑનલાઇનની જગ્યાએ ઑફલાઇન સર્વે કરવાની માંગણી કરી હતી. ખેડૂતોના જણાવ્યા મુજબ, કૃષિ પ્રગતિ એપ્લિકેશનમાં તકલીફ હોવાને કારણે સર્વે કામગીરી ખોટવાઈ રહી છે. એપ્લિકેશન વારંવાર હેંગ થતી હોવાથી તંત્રના કર્મચારીઓને સ્થળ પર સર્વે દરમિયાન મુશ્કેલી પડી રહી છે. પરિણામે, ખેડૂતોમાં તંત્ર પ્રત્યે અસંતોષ અને રોષ જોવા મળ્યો હતો.
