Vadodara News: SSG હોસ્પિટલમાં ડાયાબિટીસ માટેના ઇન્સ્યુલીનની અછત, હોસ્પિટલના RMOએ કહ્યું- જથ્થો સમયસર મળતો નથી

આ મુદ્દે એસએસજી હોસ્પિટલના RMO હિતેન્દ્ર ચૌહાણે જણાવ્યું હતું કે, ઇન્સ્યુલીનની અછત અંગે અમે સરકારને અનેકવાર પત્ર લખીને રજૂઆત કરી છે. GMSCLમાં પણ વારંવાર માંગણી કરવામાં આવી છે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Mon 29 Dec 2025 04:15 PM (IST)Updated: Mon 29 Dec 2025 04:15 PM (IST)
vadodara-news-insulin-shortage-at-ssg-hospital-leaves-diabetic-patients-in-trouble-664134

Vadodara News: વડોદરાની સરકારી એસએસજી હોસ્પિટલમાં ડાયાબિટીસ દર્દીઓ માટે આવશ્યક ઇન્સ્યુલીનની ગંભીર અછત સામે આવી છે. છેલ્લા દોઢ વર્ષથી હોસ્પિટલમાં ડાયાબિટીસ માટે જરૂરી ઇન્સ્યુલીનનો પૂરતો જથ્થો ઉપલબ્ધ ન હોવાને કારણે દર્દીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. રોજબરોજ મોટી સંખ્યામાં ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ સારવાર માટે એસએસજી હોસ્પિટલ પર આધાર રાખે છે, ત્યારે આવશ્યક ઇન્જેક્શન ન મળતા દર્દીઓની હાલત દયનીય બની છે.

ઇન્સ્યુલીનની અછતને કારણે દર્દીઓને બહારના માર્કેટમાંથી મોંઘા ભાવમાં ઇન્જેક્શન ખરીદવા મજબૂર થવું પડી રહ્યું છે. ઘણા દર્દીઓ આર્થિક રીતે સક્ષમ ન હોવાથી સમયસર ઇન્સ્યુલીન ન લઈ શકતા તેમના આરોગ્ય પર ગંભીર અસર પડી રહી છે. ડાયાબિટીસ જેવી દીર્ઘકાલીન બીમારીમાં નિયમિત ઇન્સ્યુલીન લેવું અત્યંત જરૂરી છે, ત્યારે સરકારી હોસ્પિટલમાં જ તેની અછત હોવી તંત્રની ગંભીર બેદરકારી ગણાઈ રહી છે.

દર્દીઓ અને તેમના સગાસંબંધીઓ દ્વારા વારંવાર ફરિયાદો કરવામાં આવી રહી છે કે સરકારી હોસ્પિટલમાં મફત અથવા સસ્તી સારવાર માટે આવ્યા છતાં જરૂરી દવાઓ ન મળતા બહાર ખર્ચ કરવો પડી રહ્યો છે. આ સ્થિતિને કારણે સરકારી આરોગ્ય સેવાઓ પર પણ પ્રશ્નાર્થ ઊભો થયો છે. કરોડો રૂપિયાના આરોગ્ય બજેટ અને યોજનાઓ હોવા છતાં મહત્વની દવા ઉપલબ્ધ ન થવી એ ચિંતાજનક બાબત છે.

હોસ્પિટલમાં રોજ આવતા દર્દીઓની સંખ્યા વધારે છે, જ્યારે ઉપલબ્ધ ઇન્સ્યુલીનનો જથ્થો ખૂબ જ મર્યાદિત હોવાથી અનેક દર્દીઓને પરત ફરવું પડે છે. કેટલાક દર્દીઓ તો સારવાર અધૂરી રાખવા મજબૂર બન્યા છે, જે ભવિષ્યમાં ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ ઊભી કરી શકે છે. આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાતોનું માનવું છે કે ઇન્સ્યુલીનની અછત લાંબા સમય સુધી રહી તો ડાયાબિટીસના દર્દીઓમાં જટિલતાઓ વધવાની શક્યતા છે.

આ મુદ્દે એસએસજી હોસ્પિટલના RMO હિતેન્દ્ર ચૌહાણે જણાવ્યું હતું કે, ઇન્સ્યુલીનની અછત અંગે અમે સરકારને અનેકવાર પત્ર લખીને રજૂઆત કરી છે. GMSCLમાં પણ વારંવાર માંગણી કરવામાં આવી છે. પરંતુ દવાઓ અને ઇન્જેક્શનનો પૂરતો જથ્થો સમયસર મળતો નથી. તેથી અમારે માર્કેટમાંથી ઇન્સ્યુલીન ખરીદવું પડે છે. હાલમાં અમે માત્ર એક મહિનો ચાલે તેટલો જ જથ્થો ખરીદ્યો છે, જે દર્દીઓની સંખ્યા સામે ખૂબ જ ઓછો છે. વહેલી તકે પૂરતો જથ્થો મળશે તેવી આશા રાખીએ છીએ.