વડોદરા.
વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના રુસ્તમપુરાના કછાટા ગામના ખેતરના શેઢા પરથી અજાણ્યા પુરુષનું માનવ કંકાળ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. હાલ તો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો છે અને આગળની તપાસ હાથ ધરી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, વાઘોડિયાના રુસ્તમપુરા પાસે આવેલ કછાટા ગામની સીમમાં આવેલા ખેતરના માલિકે શેઢા નજીક ખોપડી અને હાથપગના હાડકા સાથે પેન્ટ-શર્ટ પહેરેલ કોઈ અજાણ્યા પુરૂષના માનવ કંકાલ જણાતા વાઘોડિયા પોલીસને જાણ કરી હતી. જે બાદ વાઘોડિયા પોલીસ ઘટના સ્થળે પહોંચી, ત્યારે ગ્રામજનોના ટોળેટોળા ઘટના સ્થળે જોવા ઉમટ્યા હતા. વાઘોડિયા પોલીસે મૃતદેહના કંકાલને જોતા ઊચ્ચ પોલીસ અઘિકારીઓને વિગત આપી કંકાલના અવશેષો અને ઘટના સ્થળેથી સેમ્પલ લીધા હતા અને FSLની પણ મદદ લેવામાં આવી રહી છે.
કંકાલ પરથી મળી આવેલા પેન્ટ-શર્ટના કારણે તે પુરુષ હોવાનું અનુમાન છે. હાલ તો આ ક્યા પુરુષનું કંકાલ છે? તેની ઓળખ મેળવવામાં પોલીસે ગ્રામજનો સહિત આસપાસના લોકોના નિવેદનો નોંધ્યા છે.
કંકાલના પેન્ટના ખિસ્સામાંથી માચિસ, તમાકુ અને 100 રુપિયા મળી આવ્યા છે. આ પુરૂષના કંકાલ બાબતે અનેક અટકળો શરુ થઈ છે, ત્યારે આ માનવ કંકાલ કોનું છે? તે ઓળખ થવી જરુરી છે.
20 થી 25 દિવસ ઊપરાંતનું આ માનવ કંકાલનું હાડમાંસ માટી થઈ ગયેલી હાલતમાં મળી આવ્યુ છે. જે સ્થળે માનવ કંકાલ પડ્યુ હતુ, ત્યાંથી પશુઓ આ કંકાલને 20 ફૂટ દૂર ઘસેડીને ખેંચી ગયા હતા. પોલીસે ઘટના સ્થળેથી કંકાલના વીડિયો ફોટા પાડી આસપાસની જગ્યાનુ પરીક્ષણ હાથ ધર્યુ છે.જોકે કંકાલના FSLઅને પોસમોર્ટમ બાદ જ આ અજાણ્યા પુરૂષના કંકાલના મોત અંગેનુ સાચુ કારણ રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડી શકે તેમ છે.