વડોદરા.
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ડેસર ગામમાં આવેલા ગરાસિયા ફળિયામાં એક ઘરમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આ આગે જોત-જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા મકાનમાંથી ધૂમાડાના ગોટે ગોટા નીકળવા લાગ્યા હતા. જેના પગલે નાસભાગ મચી ગઈ હતી. આ બનાવના પગલે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
મકાનમાં અચાનક ભીષણ આગને પગલે આસપાસના સ્થાનિકોના દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જો કે આગ પર કાબુ મેળવવામાં સ્થાનિકો નિષ્ફળ થતાં ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જેથી વડોદરા અને મંજુસર ખાતેના ફાયર લાશ્કરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવાના પ્રયાસ હાથ ધર્યા હતા
ફાયર લાશ્કરો સતત આગ પર પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવતા આસપાસના રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ આગ ના પગલે ભારે નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે.