વડોદરાના પાદરાની જાસપુર ચોકડી પાસે દાદી-પૌત્રી ગટરના ખુલ્લા ખાડામાં ખાબકી, ઘટના CCTVમાં કેદ

દાદી અને તેમની પૌત્રી આ માર્ગ પરથી ચાલીને જઈ રહી હતી ત્યારે અચાનક જ પગ નીચેની જમીન ધસી પડી હતી અને બંને મહિલાઓ પલક વારમાં જ ખાડામાં ગરકાવ થઈ ગઈ હતી.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Mon, 14 Sep 2026 03:38 PM (IST)Updated: Mon, 14 Sep 2026 03:38 PM (IST)
vadodara-news-grandmother-and-granddaughter-fall-into-open-sewer-pit-in-padra

Vadodara News: પાદરાના જાસપુર ચોકડી સ્થિત સિટી સેન્ટર નજીક કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી સામે આવી છે. નવીન ગટર લાઇન નાખ્યા બાદ ખોદાયેલા ખાડાનું યોગ્ય પુરાણ ન કરાતાં, રસ્તા પરથી પસાર થઈ રહેલાં એક દાદી અને તેમની પૌત્રી અચાનક જ ગટરના ઊંડા ખાડામાં ખાબક્યાં હતાં. આ સમગ્ર ઘટના નજીકની દુકાનમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ જતાં ચકચાર મચી ગઈ છે.

મળતી વિગતો મુજબ, પાદરાના જાસપુર ચોકડી પાસે આવેલ સિટી સેન્ટર વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી નવીન ગટર લાઇન નાખવાની કામગીરી ચાલી રહી હતી. લાઇન નાખ્યા બાદ સબંધિત કોન્ટ્રાક્ટર દ્વારા ખોદેલા ખાડાને યોગ્ય રીતે પૂરવાને બદલે માત્ર ઉપરછલ્લી માટી નાખીને કામ પૂરું કરી દેવાયું હતું. ચોમાસા અને નબળા કામકાજને કારણે આ જગ્યા અંદરથી પોચી પડી ગઈ હતી અને જોખમી ખાડો બની ગઈ હતી.

દરમિયાન, દાદી અને તેમની પૌત્રી આ માર્ગ પરથી ચાલીને જઈ રહી હતી ત્યારે અચાનક જ પગ નીચેની જમીન ધસી પડી હતી અને બંને મહિલાઓ પલક વારમાં જ ખાડામાં ગરકાવ થઈ ગઈ હતી. અચાનક બનેલી આ ઘટનાથી બંને મહિલાઓએ ભારે બૂમાબૂમ કરી મૂકી હતી. ચીસાચીસ સાંભળીને આસપાસના સ્થાનિક રહીશો અને નજીકના દુકાનદારો તુરંત જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

બનાવ સ્થળે ભેગા થયેલા લોકોએ ત્વરિત બચાવ કામગીરી હાથ ધરીને ભારે જહમત બાદ બંને મહિલાઓને સુરક્ષિત રીતે ખાડામાંથી બહાર કાઢી હતી. સદ્નસીબે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી, પરંતુ બંને મહિલાઓને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. સ્થાનિકોના સમયસૂચકતાના કારણે એક મોટો અકસ્માત ટળ્યો હતો.

આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં મહિલાઓ ખાડામાં ખાબકતી સ્પષ્ટ જોઈ શકાય છે. પાદરાના સ્થાનિકોમાં આ ઘટનાને પગલે ભારે રોષ જોવા મળી રહ્યો છે. અડચણરૂપ બની રહેલા આવા ખુલ્લા ખાડાઓને તાત્કાલિક યોગ્ય રીતે પૂરીને જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં ભરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે.