વડોદરા.
વડોદરામાં કુરિયરની આડમાં ઈંગ્લીશ દારૂના વેપલાનો પર્દાફાશ લાખોની કિંમતનો બ્રાન્ડેડ વિદેશી દારૂનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો બે આરોપીને વોન્ટેડ જાહેર કર્યા
ગાંધીના ગુજરાતમાં દારૂબધીનો ચુસ્ત અમલ કરાવવામાં આવતો હોવાના દાવા કરવામાં આવી રહ્યાં છે, પરંતુ શરાબ માફિયા અવનવી તકનીકો શોધીને રાજ્યના વિવિધ શહેરોમાં દારૂનો જથ્થો ઠાલવતા હોય છે. એવામાં આજે હરણી પોલીસે શહેરમાં દારૂનો જથ્થો ઘૂસાડવા માટે બુટલેગર દ્ધારા અપનાવવામાં આવેલ કીમિયાને નિષ્ફળ બનાવી લાખોની કિંમતનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.
વડોદરાની હરણી પોલીસ પેટ્રોલિંગમાં હતી, ત્યારે બાતમી મળી હતી કે, ગોલ્ડન ચોકડી ખાતે નેશનલ હાઈવે 48 નજીક આગમન હોટલની પાછળ આવેલ DTDC કુરિયર ઓફિસમાં કુરિયરના પાર્સલની આડમાં દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે. આ બાતમીના આધારે હરણી પોલીસની ટીમે DTDC કુરિયર ઑફિસમાં તપાસ હાથ ધરતાં 4 શંકાસ્પદ પાર્સલ મળી આવ્યા હતા.
આ શંકાસ્પદ બોક્સની તપાસ કરતાં પાર્સલ મોકલનારા તેજસ એન્ટર પ્રાઈઝ કેશવાના અને જપ્પન શર્મા (રહે. આજવા રોડ)એ મંગાવ્યું હોવાનું સામે આવ્યું હતુ. આ 4 પાર્સલ ખોલીને તપાસ કરતાં અલગ-અલગ બોક્સમાં મળીને કુલ 60 જેટલી બ્રાન્ડેડ વિદેશી શરાબની બોટલો મળી આવી હતી. જેની અંદાજિત કિંમત 1.44 લાખ થવા જાય છે.
હાલ તો પોલીસે તમામ વિદેશી શરાબનો જથ્થો કબજે કરી કુરિયરમાં દારૂ મોકલનાર તેજસ એન્ટરપ્રાઈઝ કેશવાના તેમજ લેનારા જપ્પન જી શર્મા નામના બન્ને આરોપીઓને વૉન્ટેડ જાહેર કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.